અમદાવાદમાં ખુલ્લી પાણીની ટાંકી બની મોતની ટાંકી! 8 વર્ષની બાળકીનું ડૂબી જવાથી મોત, પરિવારનો AMC કોન્ટ્રાક્ટર સામે આક્રોશ

અમદાવાદના થલતેજ શાકમાર્કેટ નજીક હેબતપુર રોડ પર દુર્ઘટનામાં 8 વર્ષની બાળકીનું મોત થયું છે. AMC સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયની ખુલ્લી પાણીની ટાંકીમાં બાળકી પડી જતાં દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, 8 વર્ષીય સુનીતા ઉર્ફે ઢીંગુ રાત્રિના સમયે પે એન્ડ યુઝમાં ગઈ હતી. પાણી લેવા જતાં અચાનક ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાથી તે અંદાજે 14થી 15 ફૂટ ઊંડી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ બાળકીનો બહાર કાઢી સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.
બાળકીના પરિવારજનોએ મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારનો આરોપ છે કે પે એન્ડ યુઝની પાણીની ટાંકી હંમેશા ખુલ્લી રાખવામાં આવતી હતી. જો ટાંકી પર યોગ્ય ઢાંકણું લગાવવામાં આવ્યું હોત તો આજે 8 વર્ષની બાળકીનો જીવ બચી ગયો હોત.આ દુર્ઘટનાને પગલે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. એક પરિવારનું હસતું-રમતું બાળક ગુમાવતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.













