Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC's pre-monsoon claims fail again! Roads flooded in Ahmedabad with the rain

AMCના પ્રી-મોન્સૂન દાવા ફરી ફેલ! અમદાવાદમાં વરસાદ સાથે જ રસ્તાઓ ધસી પડ્યા

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
AMCના પ્રી-મોન્સૂન દાવા ફરી ફેલ! અમદાવાદમાં વરસાદ સાથે જ રસ્તાઓ ધસી પડ્યા
સોર્સ : gstv

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ શહેરના રસ્તાઓ પર ભુવા પડવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ રસ્તાઓ પર ઠેર-ઠેર મહાકાય ભુવા પડવાની સમસ્યાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. તાજેતરમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા શીલજ તેમજ સાબરમતી વિસ્તારમાં રસ્તાઓ પર મોટા ભુવા પડ્યા છે. સદનસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવા પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store

શીલજમાં ખોદકામ વચ્ચે જમીન ધસી પડી

શહેરના પોશ વિસ્તાર ગણાતા શીલજ સર્કલ નજીક આર્યમાન બંગલો તરફ જતા રોડ પર ચાલી રહેલા ખોદકામ અને વરસાદી માહોલને કારણે માટી સરકી જતાં અચાનક જમીન ધસી પડી હતી અને એક મહાકાય ભુવો પડ્યો હતો. સદનસીબે આ રોડ પહેલાથી જ બંધ હોવાથી દુર્ઘટના સમયે કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ AMCના અધિકારીઓ દોડતા થયા હતા અને સુરક્ષાના ભાગરૂપે ઘટનાસ્થળે બેરિકેડ્સ ગોઠવીને માટી પૂરાણ કરવાની કામગીરી શરૂ કરી હતી.

સાબરમતીમાં રસ્તો બંધ, વાહનચાલકો પરેશાન

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સાબરમતી સ્નાનાગાર પાસે પણ રસ્તા પર એક મસમોટો ભુવો પડવાની ઘટના સામે આવી છે. આ ભુવો પડવાને કારણે સાવચેતીના ભાગરૂપે સાબરમતી પાવર હાઉસથી BRTS સુધીનો આશરે 2 કિલોમીટર જેટલો રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ બંધ થવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને તેઓ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.

તંત્ર દ્વારા માત્ર ખાડા પૂરવાની કામગીરી હવે નાગરિકોને મંજૂર નથી. તેમના મતે આ વિશાળ ભુવા માત્ર ખાડા નથી, પરંતુ વહીવટીતંત્રની લાપરવાહી અને ભ્રષ્ટાચારનું જીવતું-જાગતું ઉદાહરણ છે. લોકોની માગ છે કે તંત્ર માત્ર કામચલાઉ પુરાણ કરવાને બદલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરે અને રસ્તાઓની ગુણવત્તાની તપાસ કરાવે, જેથી કરીને નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં ન મુકાય.

અહીં સવાલ એ થાય છે કે-

  • દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ચોમાસાના પહેલા જ વરસાદમાં કેમ નિષ્ફળ સાબિત થાય છે?
  • શું કરોડો રૂપિયાના ટેન્ડરો માત્ર કાગળ પર જ સીમિત છે?
  • દર વર્ષે રોડ અને રિપેરિંગ પાછળ કરદાતાઓના કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ રસ્તાઓ કેમ ધોવાઈ જાય છે?
  • કોન્ટ્રાક્ટરો કામમાં કાચું કાપી રહ્યા છે તો કેમ AMC કડક પગલાં લઈ રહ્યું નથી?