AMCની ભરતીમાં ગોટાળો, 18-19 માર્ક્સવાળાને નોકરી પર લગાડનાર હેડ કલાર્ક સામે ફરિયાદ દાખલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ખાતાની સહાયક ટેકનીકલ સુપરવાઈઝર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ખાતાની સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઈજનેર)ની 93 જગ્યા ભરવા માટે તા.15/03/2024એ જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને તેની પરીક્ષા તા. 18/08/2024એ લેવામાં આવી હતી. આ પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે અરજી ક્રમાક નં- 569 નામ: તમન્નાકુમારી દિનેશભાઈ પટેલ તથા અરજી ક્રમાક નં- 3206 નામ: મોનલ હીરેન લીમ્બાચીયા તથા અરજી ક્રમાક નં- 11824 નામ: જય અશોકભાઈ પટેલ નામના ઉમેદવારોના અનુક્રમે માર્ક્સ 77 તથા 85 તથા 85.25 હોવાની જાણ થઇ હતી. જે બાદ પરીક્ષા લેનાર સંસ્થા પાસેથી મંગાવેલ ડોક્યુમેન્ટમાં આ ઉમેદવારોના માર્કસ અનુક્રમે 18.50 તથા 18.25 તથા 19.25 હોવાની વિગતો સામે આવી હતી.
જે બાદ આ કૌભાંડની તપાસ કરતા આરોપી AMCના હેડ કલાર્ક પુલકીતભાઈ સી. સથવારા કે જેઓ ગુજરાત યુનિવર્સીટી સાથે સંકલનમાં રહી તેમજ અ.મ્યુ.કો.ની ઈન્ટરવ્યુ બ્રાન્ચની વેબસાઈટ તથા કોમ્પ્યુટર સબંધિત ભરતીલક્ષી કામગીરી કરતા હતા. આરોપી દ્વારા આ ત્રણેય ઉમેદવારો કે જેમનો મેરીટમાં સમાવેશ નહતો છતાં પણ ઇરાદાપુર્વક તેઓને ખોટી રીતે નોકરી અપાવવા અ.મ્યુ.કો.ની વેબસાઈટ ઉપર અપલોડ કરતા પહેલા આ ઉપરોક્ત ત્રણેય ઉમેદવારોના માર્ક્સમાં સુધારા કરી દીધા હતા. જે બાદ ખોટા રીઝલ્ટ જેવો બનાવટી દસ્તાવેજ ઉભો કરી તેને અ.મ્યુ.કો.ની વેબસાઈટ ઉપર અપલોડ કરી ગેરલાયક ઉમેદવારોને નોકરી અપાવી દીધી હતી.
આરોપી રાજ્ય સેવક તરીકેની ફરજમાં ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડી ભર્યુ કૃત્ય કરી ત્રણ લાયક ઉમેદવારોને નોકરીથી વંચિત રાખ્યા હતા. સમગ્ર મામલે કારંજ પોલીસે આરોપી AMCના હેડ કલાર્ક પુલકીતભાઈ સી. સથવારા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






