Ahmedabad / ધોળકામાં રખડતા પશુઓનો ત્રાસ; આખલા યુદ્ધથી વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ

અમદાવાદ જિલ્લાના ધોળકામાં રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. માર્ગો પર અડિંગો જમાવીને બેસતા ઢોર અને અવારનવાર ખેલાતા આખલા યુદ્ધના કારણે સ્થાનિક રહીશો તથા વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતાના કારણે ધોળકાના મુખ્ય બજારોથી લઈને સોસાયટી વિસ્તારો સુધી રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે.
આખલા યુદ્ધથી અકસ્માતોની વણઝાર
ધોળકાના કલીકુંડથી પાર્શ્વનાથ સર્કલ સુધીના વેપારી મથકો, નવી અને જૂની શાક માર્કેટ, સરોડા રોડ તેમજ આસપાસની રહેણાંક સોસાયટીઓમાં રખડતા પશુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ગો વચ્ચે અચાનક આખલાઓ બાખડતાં હોવાના કારણે વાહનચાલકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે અને પદયાત્રીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
તાજેતરમાં જ ધોળકા GIDC વિસ્તારમાં એક આખલાએ નિર્દોષ યુવકને શિંગડે ચડાવીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હોવાની અત્યંત કરૂણ ઘટના બની હતી. આવી ગંભીર દુર્ઘટના છતાં ધોળકા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા કે પાંજરે પૂરવા માટે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે કે પાલિકાના ચીફ ઓફિસર અને કાઉન્સિલરો પ્રજાની આ ગંભીર હાલાકી પ્રત્યે તદ્દન ઉદાસીન વલણ દાખવી રહ્યા છે.
તહેવારો પૂર્વે પશુઓને પાંજરે પૂરી ભયમુક્ત કરવા માંગ
હાલમાં જ નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા હોવાથી બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટશે. ભીડભાડ વાળા વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ધોળકાના જાગૃત નાગરિકો અને વેપારીઓ માંગ કરી રહ્યા છે કે પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને વહેલી તકે ઢોર પકડ ઝુંબેશ શરૂ કરે અને શહેરને રખડતા પશુઓથી ભયમુક્ત કરે.

