Ahmedabad / મકરબાનો ખામીયુક્ત બ્રિજ બનાવનાર એજન્સીને જ અભ્યાસની જવાબદારી સોંપાઈ

અમદાવાદના શહેરીજનોની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પણ માથાનો દુઃખાવો બનેલા મકરબાનો રેલવે ઓવરબ્રિજની ખામીઓનો હવે તંત્ર દ્વારા અભ્યાસ કરવામાં આવશે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી આ બાબત લોકોમાં પણ હાંસીને પાત્ર બની છે. કારણ કે ક્ષતિયુક્ત બ્રિજ તૈયાર કરનાર કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને જ તેના અભ્યાસનું કામ સોંપાયું છે. એટલે કે પરીક્ષાર્થી જ પેપરની તપાસ કરે તેવો તાલ સર્જાયો છે.
કડક પગલાં લેવાના બદલે કન્સલ્ટન્ટ એજન્સી પાસે ફક્ત સ્પષ્ટીકરણ મંગાયું
મકરબાનો રેલવે ઓવરબ્રિજ 96 કરોડથી વધુની તોતિંગ રકમથી બન્યો છે. ચારના બદલે છ વર્ષે માંડ તૈયાર થયેલો આ ઓવર બ્રિજ અગાઉ પણ વિવાદના કેન્દ્રમાં આવી ચૂક્યો છે. અહીં ઓવર બ્રિજનું આયોજન પડતુ મૂકીને કંઈક નવું વિચારવાના બદલે સીધા જ ચાર રસ્તા પર છેડો ઉતરે તેવો બ્રિજ બનાવી નાંખ્યો. સામાન્ય માણસને પણ ખ્યાલ આવી જાય કે આ ડિઝાઈનથી ભવિષ્યમાં ટ્રાફિક, અકસ્માત સહિતના પ્રશ્નો પેદા થશે. પરંતુ મ્યુનિસિપલના જે તે સમયના બાહોશ ઈજનેરો, અધિકારીઓ અને શાસકોને આ વાતનો અણસાર સુદ્ધા આવ્યો નહીં! હાલ લોકોનો ઉહાપોહ વધતા કડક પગલાં લેવા પડે તેવી સ્થિતિ પેદા થઈ છે.
પરિણામે માનીતા લોકોને બચાવવા હવે કન્સલ્ટન્ટ એજન્સી ડીઈએલએફ પાસેથી ફક્ત સ્પષ્ટીકરણ મંગાયું છે. જેના કારણો સામે આવ્યા બાદ મ્યુનિ. તંત્ર આ પ્રશ્નનું નિરાકરણ લાવશે. એકંદરે આ બ્રિજમાં ટાઈમ પાસ કરીને લોકો આખો મુદ્દો ભૂલી જાય તેવું વલણ તંત્ર દાખવી રહ્યું છે.

