મણિનગરની એજ્યુનોવા સ્કૂલ સામે DEOની કાર્યવાહી માન્યતા રદ થયા બાદ પણ સ્કૂલ ચાલુ રાખી ફી વસૂલવાનો આક્ષેપ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એજ્યુનોવા સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હોવા છતાં શાળા દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવતું હોવાની અને વાલીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હોવાની બાબત સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.DEO દ્વારા સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. માન્યતા રદ થયા બાદ પણ કયા આધારે શાળા ચાલુ રાખવામાં આવી અને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવી તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.બીજી તરફ, વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ નિરીક્ષકને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તેમને નજીકની અન્ય માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.શાળા સંચાલનના વલણ સામે શિક્ષણ વિભાગે ગંભીરતા દાખવી છે. હવે DEOની નોટિસ બાદ સ્કૂલ સંચાલકો શું જવાબ આપે છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં તંત્ર કેવાં પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.






