Ahmedabad / હવે સોલા સિવિલ ચાર રસ્તે પણ 'કેપ્સુલ ડિઝાઈન'નો અમલ, વાહનચાલકોને 150 મીટરનો યુ-ટર્ન

Ahmedabad / હવે સોલા સિવિલ ચાર રસ્તે પણ 'કેપ્સુલ ડિઝાઈન'નો અમલ, વાહનચાલકોને 150 મીટરનો યુ-ટર્ન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા 'કેપ્સુલ ડિઝાઈન'ની નવી તરકીબ શોધી અમલમાં મૂકવામાં આવી છે. જોકે, મકરબા બ્રિજ સહિત કેટલાક ચાર રસ્તા પર આ ડિઝાઈન બાબતે વાહનચાલકોમાં મતમતાંર જોવા મળે છે. તેવામાં હવે સોલા સિવિલ પાસે પણ કેપ્સુલ ડિઝાઈન અમલમાં મુકાઈ છે. સોલા સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા બંધ કરી દેવાતા વાહનચાલકોએ 150 મીટર આગળથી યુ-ટર્ન લેવો પડશે.

એસજી હાઈવે પર 3 કિમીમાં 3 મુખ્ય જંકશન બંધ

હવે સોલા સિવિલ પાસે પણ કેપ્સુલ ડિઝાઈન અમલમાં મૂકવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા બંધ કરી દેવાતા વાહનચાલકોએ 150 મીટર આગળથી યુ-ટર્ન લેવો પડશે. પેલેડિયમ મોલ અને કારગીલ પેટ્રોલ પંપ બાદ સોલા સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા બેરિકેડ મૂકીને બંધ કરી દેવાયા છે. હાઈવે પર 3 કિલોમીટરમાં ત્રીજી જગ્યાએ આ કેપ્સુલ ડિઝાઈન લાગુ કરાઈ છે. બંને બાજુના 150 મીટરે કેપ્સુલ કટ અપાતા વાહનચાલકોએ ત્યાંથી યુ-ટર્ન લેવો પડશે. નોંધનીય છે કે, આ જ રોડ પર આશરે 650 મીટર દૂર આવેલા કારગીલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પણ બંધ કરી દેવાયા છે, જેના કારણે માત્ર એક જ કિલોમીટરમાં યુ-ટર્ન માટેના બેથી ત્રણ કેપ્સુલ કટ આવ્યા છે.

જાહેરાત

ટ્રાફિક વધશે કે ઘટશે? વાહનચાલકોમાં ચિંતા

એક જ કિલોમીટરના અંતરમાં બે-ત્રણ કેપ્સુલ ડિઝાઈન હોવાથી ટ્રાફિક ઘટશે કે વધશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને નાના કેપ્સુલ કટ અને તેના લીધે ભારે વાહનોને રસ્તો ઓળંગવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અત્યારે શહેરમાં 20થી વધુ જંકશન પર આ સિસ્ટમ લાગુ કરાઈ છે. અગાઉ ત્રણ મહિના પ્રાયોગિક ધોરણે બેરિકેડ મુક્યા બાદ ડિવાઈડર બનાવાય છે. જો કે, મકરબા બ્રિજ પાસે કેપ્સુલ ડિઝાઈન ફેઈલ જતા તંત્રએ પોતાના નિર્ણય પરથી યુ-ટર્ન લઈ ત્યાં ટ્રાફિક સિગ્નલ લગાવવા પડ્યા હતા. નવા વિસ્તારોમાં બીઆરટીએસ કોરિડોરના લીધે હાલ કેપ્સુલ ડિઝાઈનની અમલવારી અટકાવી દેવાઈ છે.

જનમાર્ગના લીધે પૂર્વમાં ત્રણ સ્થળોએ અમલવારી પર રોક

નારોલ-નરોડા રોડ
રબારી કોલોની
વિજય પાર્ક
ઠક્કરબાપાનગર

હાલમાં કેપ્સુલ ડિઝાઈન અમલમાં હોય તેવા વિસ્તારો

પેલેડિયમ મોલ
કારગીલ પેટ્રોલ પંપ
ઈસનપુર
ગરીબનગર
હીરાવાડી
હાટકેશ્વર
સોલા સિવિલ

આ સમાચાર શેર કરો

જાહેરાત