Ahmedabad News: શો-રૂમમાં ખરીદીના બહાને કરી ચોરી, રીક્ષા ચાલક અને 3 મહિલાની થઈ ધરપકડ
અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને ચોરી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે રીક્ષા ચાલક અને 3 મહિલાની ધરપકડ કરી છે.
જણાવી દઈએ કે, રિક્ષામાં લગાવેલા નંબરના સ્ટીકરથી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. રિક્ષાનું નંબર પ્લેટ નકલી લગાવીને ચોર ટોળકી ચોરી કરવા આવી હતી.
આરોપી ત્રણ મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવી ચોરી કરી હતી. મહિલાઓ વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. પછી ટ્રાયલ રૂમમાં જતી વખતે સ્ટાફની નજર ચૂકવીને એક જોડી ડ્રેસના બદલે બે જોડી ડ્રેસ લઈને જતી રહી હતી. પછી કોઈપણ પ્રકારની ખરીદી કર્યા વગર આ મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી.
બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક ચેક કરવામાં આવ્યો, ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડી ઓછી જણાતા માલિકને શંકા ગઈ હતી. આ શંકાના આધારે દુકાન માલિકે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેને લઈ સમગ્ર હકીકત સામે આવી હતી.
આ મહિલાઓએ આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી. પોલીસે આ કેસમાં લેડીઝ ડ્રેસ અને રીક્ષા કબ્જે કરી લીધી છે.

