Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A large quantity of 9.30 kg heroin seized from Ahmedabad airport, worth Rs 45 to 50 crores

અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરાયો 9.30 કિલોગ્રામ હેરોઇનનો મોટો જથ્થો, કિંમત 45 થી 50 કરોડ રૂપિયા

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરાયો 9.30 કિલોગ્રામ હેરોઇનનો મોટો જથ્થો, કિંમત 45 થી 50 કરોડ રૂપિયા
સોર્સ : gstv

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મેળવી છે. એરપોર્ટ પર કસ્ટમ્સની સતર્કતાના કારણે મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવેલા એક મુસાફરને શંકાસ્પદ ગતિવિધિના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. અધિકારીઓએ તેની પાસેથી અંદાજે 9.30 કિલોગ્રામ હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 45 થી 50 કરોડની આસપાસ હોવાનું અંકાય છે.

App Store

હેન્ડ બેગના એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન શંકા ગઈ

શંકાસ્પદ મુસાફરની હેન્ડ બેગના એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન અધિકારીઓને કેટલીક શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી. જેથી તેને અટકાવીને બેગની સઘન તપાસ કરવામાં આવતા તેમાંથી ફૂડ સપ્લિમેન્ટ્સ અને કોકોનટ ફ્લેવરના લેબલવાળા પેકેટો મળી આવ્યા હતા. જો કે, આ પેકેટો ખોલતા તેમાંથી ખાદ્ય પદાર્થોને બદલે સફેદ પાવડર અને દાણાદાર પદાર્થ મળી આવ્યો હતો. FSLની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ હેરોઇન હોવાનું સાબિત થતાં કસ્ટમ્સે ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.

કેરળના આરોપીની ધરપકડ

કસ્ટમ્સ વિભાગે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ ગુનો નોંધીને આરોપી મુસાફરની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મૂળ કેરળના વાયનાડનો રહેવાસી છે. મલેશિયાના કુઆલાલમ્પુરની એક હોટેલમાં એક મહિલાએ તેને આ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો અને આ કામ માટે તેને મોટી રકમ પણ ચૂકવવામાં આવી હતી.

ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો

આ કેસની પ્રાથમિક વિગતો પ્રમાણે આરોપી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટમ્સ વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હીમાં આ જથ્થો કોને આપવાનો હતો તેની તપાસ ચાલી રહી છે, સાથે જ આરોપીના બેંક એકાઉન્ટની વિગતો પણ ખંગોળવામાં આવી રહી છે જેથી આ કાળા કારોબારમાં સામેલ નેટવર્ક સુધી પહોંચી શકાય.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસોથી કસ્ટમ્સ વિભાગ અત્યંત સક્રિય બન્યું છે. આ અગાઉ ગઇકાલે રવિવારે જ થાઇલેન્ડથી આવેલા એક અન્ય પ્રવાસી પાસેથી પણ 6.54 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એરપોર્ટ પર સતત બે દિવસમાં ડ્રગ્સના બે મોટા નેટવર્કનો પર્દાફાશ થતાં કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ સર્વેલન્સ વધુ કડક બનાવી દીધું છે.