15 વર્ષના સગીરે માતા સામે જ માંગી FIR નોંધવાની મંજૂરી, ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો કિશોર

15 વર્ષના સગીરે માતા સામે જ માંગી FIR નોંધવાની મંજૂરી, ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો કિશોર
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

સામાન્ય રીતે માતા-પિતા પોતાના સંતાનોના રક્ષણ માટે કાયદાના દરવાજા ખખડાવતા હોય છે, પરંતુ ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 15 વર્ષના સગીરે પોતાની જ માતા સામે FIR નોંધવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. માતા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને સગીરે દાદા-દાદી સાથે રહેવાની મંજૂરી માગી છે. આ મામલે હાઈકોર્ટે બાળ કલ્યાણ સમિતિ અને પોલીસ સહિતના સત્તાધીશોને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.

માતા-પિતાના વર્ષ 2020માં છૂટાછેડા થયા બાદ સગીરની કસ્ટડી માતા પાસે હતી. જ્યારે તેના પિતા આફ્રિકાના અંગોલામાં નોકરી કરે છે. સગીરના દાદા-દાદી મોરબીમાં રહે છે.

જાહેરાત

સગીરે પોતાની અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેની માતા તેની સાથે વારંવાર મારપીટ કરતી હતી, ઘરકામ કરાવતી હતી અને અપમાનિત કરીને હેરાન કરતી હતી. છેલ્લા ત્રણ મહિનામાં અનેક વખત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો પણ દાવો કર્યો છે.

સૌથી ગંભીર આક્ષેપ એવો છે કે એક પ્રસંગે માતાએ છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી ગભરાયેલા સગીરે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી હતી.

સગીરે બાળ કલ્યાણ સમિતિ સમક્ષ પણ રજૂઆત કરીને પોતાને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને મોરબીમાં દાદા-દાદી સાથે રહેવાની મંજૂરી માગી હતી. જોકે, માત્ર નિવેદન નોંધવા સિવાય કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો સગીરનો આક્ષેપ છે.

આખરે સગીરે દાદી મારફતે ગુજરાત હાઈકોર્ટમાં બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. એક અરજીમાં બાળ કલ્યાણ સમિતિને સગીરના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા અને તેને દાદીની કસ્ટડીમાંથી દૂર ન કરવાનો નિર્દેશ આપવા માગ કરાઈ છે.

જ્યારે બીજી અરજીમાં પોલીસને માતા સામે FIR નોંધવાનો આદેશ આપવા હાઈકોર્ટ સમક્ષ વિનંતી કરવામાં આવી છે.

આ મામલે ગુજરાત હાઈકોર્ટે બાળ કલ્યાણ સમિતિ અને શહેર પોલીસ સહિત સંબંધિત સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે. અગાઉ સગીરે કરેલી ફરિયાદો અંગે શું કાર્યવાહી કરવામાં આવી તેવો જવાબ પણ માગ્યો છે.

હવે આ સંવેદનશીલ મામલે આગામી 28 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. સગીરને સુરક્ષિત વાતાવરણ મળે છે કે નહીં અને તેની ફરિયાદો પર તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત