અમદાવાદ/ ઇસનપુર પોલીસે માનવતા મહેકાવી, ગણતરીના કલાકોમાં જ ગુમ બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન
અમદાવાદની ઇસનપુર પોલીસે માનવતાના પગલે ગુમ થયેલી બાળકીનું ગણતરીના કલાકોમાં જ પરિવાર સાથે મિલન કરાવ્યું

અમદાવાદની ઇસનપુર પોલીસે માનવતાના પગલે ગુમ થયેલી બાળકીનું ગણતરીના કલાકોમાં જ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકીને પરિવારને સોપાતા જ પરિવારની આંખમાં આંસુ ભરાઇ ગયા હતા અને પોલીસનો આભાર માન્યો હતો.
ત્રણ વર્ષની ગુમ બાળકીનું પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન
ચૂંટણીની સતત 48 કલાકની ફરજ બજાવી ઇસનપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ ગઢવી રાત્રે 9 વાગ્યાની આસપાસ ઘર તરફ જતા હતા. આ દરમિયાન મણિનગર ભૈરવનાથ મનોકામેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં એક ત્રણ વર્ષની બાળકીને રડતી જોઇ હતી.
પોલીસ કર્મીએ પોતાની ફરજના કલાકો નહીં પરંતુ સમાજ પ્રત્યેની પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઘરે જવાને બદલે બાળકીને પોતાની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ પીઆઇ સાહેબને જાણ કરી હતી. તે બાદ પોલીસ સ્ટેશનની નજીકના રહીશોની મદદ મેળવી બાળકીને પોલીસ વાનમાં બેસાડી આસપાસના વિસ્તારમાં ફરી મસ્જિદોમાં બાળકી ગુમ થયા બાબતનું એલાન કર્યું હતું.
આ દરમિયાન ઇસનપુર સોનીના ખેતરમાં રહેતા બિહારના મજૂર વર્ગના પરિવારની બાળકી હોવાનું જાણવા મળ્યું હતું. તે બાદ પોલીસે બાળકીને પરિવારને સુરક્ષિત સોપી સમાજનો ખરો મિત્ર પોલીસની વાત સાર્થક કરી હતી. પરિવારે બાળકી હેમખેમ મળી આવતા પોલીસ કર્મીઓનો આભાર માન્યો હતો.








