ક્રિસમસને અને થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસ કમિશનરે લીધો મહત્ત્વનો નિર્ણય, જાહેર કરાયા કડક નિર્દેશો
ફટાકડાના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્ત્વનો

ફટાકડાના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સલામતી જળવાઈ રહે, આગ કે અકસ્માતના બનાવો ન બને અને પ્રદૂષણનું પ્રમાણ નિયંત્રણમાં રહે તે હેતુથી શહેરમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ અંગે કડક નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશ મુજબ અમદાવાદ શહેરમાં માત્ર 'ગ્રીન ફટાકડા'ના ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે.
ક્રિસમસમાં ફટાકડા ફોડવા અંગે જાહેર કરાયા નવા નિયમો
નવા નિયમો મુજબ, નાતાલ અને નવા વર્ષની પૂર્વ રાત્રે 11.55થી 12.30 સુધી, એટલે કે માત્ર 35 મિનિટ માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ જ PESO દ્વારા માન્યતા પ્રાપ્ત 'ગ્રીન ફટાકડા' વેચી શકશે, જ્યારે ઓનલાઇન વેચાણ અને વિદેશી ફટાકડાના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા બેરિયમયુક્ત ફટાકડાના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રોક લગાવાઈ છે.
જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી કરાયા જાહેર 'સાયલેન્ટ ઝોન'
જાહેર સુરક્ષાને ધ્યાને રાખીને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને 'સાયલન્ટ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં ફટાકડા ફોડવાની મનાઈ રહેશે. તે જ રીતે પેટ્રોલ પંપ, ગેસ સ્ટોરેજ અને ગીચ બજારો જેવા સંવેદનશીલ સ્થળોએ પણ આતશબાજી કરી શકાશે નહીં. ખાસ કરીને ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી હવામાં ઉડતી આતશબાજીથી કોઈ મોટી જાનહાનિ કે આગની ઘટના ન બને.






