ગણેશ પ્રતિમા પર પથ્થરમારા બાદ ગૃહમંત્રીએ આરતી ઉતારી, પોલીસના ઘાડે ધાડા ઉતરતા અજંપાભરી શાંતિ
હાલ ઠેર-ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. ત્યારે સુરતના સૈય

હાલ ઠેર-ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. ત્યારે સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર-પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મુસ્લિમ બાળકોએ કરેલા પથ્થર મારા બાદ વાતાવરણ તંગ થયું હતું. અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી તોડફોડ કરી હતી. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. અડધીરાતે આરતી થઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યારસુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સૂર્ય ઉગ્યા પહેલાં કાર્યવાહી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાત્રે જણાવ્યું હતું કે, સૂરજની પહેલું કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે. શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈપણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં. કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું હતું. પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હું સ્પષ્ટ કહું છું કે, ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું. પથ્થરબાજો ઉપર પણ સખ્તાઈપૂર્વકના પગલાં લઈશું. આજના ગાંધીનગરના મેં તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે. હું આજે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું. બપોર બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રકારની વિગત આપીશ. કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે લોકોએ પથ્થર ફેંક્યા છે, જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેર્યા છે એ તમામ લોકો સામે પગલાં ભરીશું.
બે રિક્ષા 3 બાઈકમાં તોડફોડ
આ ઘટનામાં લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની હતી. જેમાં બે રિક્ષા અને ત્રણ બાઈકમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોએ ઘટનાસ્થળે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મામલે સ્થાનિક ધારાસભ્ય કાંતી બલર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તેમને પણ ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ઈજા થયાનું જાણવા મળ્યું છે.
27ની અટકાયત
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો, બીજો ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો આમ કુલ અત્યારસુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે. હજી પણ અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે. શાંતિ સમિતિની બેઠક કરવાના છીએ. જેમાં આ પ્રકારની ઘટના થઈ તેના માટે ખાસ કહેવામાં આવશે કે, જે લોકો શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને અમે છોડીશું નહીં. સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. જેટલા પણ આરોપી પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરીશું. આખી રાત બીજા અન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે જેમાં પણ ધરપકડ કે અટકાયત કરવામાં આવશે.
પોલીસ બંદોબસ્ત ચુસ્ત
સુરતના સંવેદનશીલ વિસ્તારોની અંદર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસે શહેરના તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. નાનપુરા, રાંદેર, મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ રવાના કરી દેવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવા આવી રહી છે. જેથી કરીને કોઈ પણ ટોળું જ્યાં પણ એકત્રિત થયું હોય તેમને ઝડપથી પકડી શકાય.સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસની બિલ્ડિંગોમાંથી પથ્થરમારો થયો હોવાની વાત સામે આવી છે. ઉપરની બિલ્ડિંગો પરથી પથ્થરમારો થતા સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.








