અયોધ્યામાં અદાણી પરિવાર: રામલલ્લાના ચરણે શીશ ઝુકાવ્યું, પરંપરા અને AIના સંગમ સાથે ગુરુકુળને આધુનિક બનાવવાની ખાતરી
Adani news: દેશના અગ્રણી

Adani news: દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે તેમના પરિવાર સાથે પવિત્ર નગરી અયોધ્યાની મુલાકાત લીધી હતી. હનુમાન જયંતિના પાવન અવસરે યોજાયેલી આ મુલાકાત માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતા, ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા અને આધુનિક ટેક્નોલૉજીના સમન્વયનું પ્રતીક બની રહી હતી.
રામમંદિરમાં પૂજા-અર્ચના
ગૌતમ અદાણીએ તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, પુત્ર કરણ અને પુત્રવધૂ પરિધિ અદાણી સાથે શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલ્લાના દર્શન કર્યા હતા. આ મુલાકાત અંગે તેમણે ભાવુકતા સાથે જણાવ્યું કે, "રામ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક સાતત્ય અને વધતા આત્મવિશ્વાસનું પ્રતીક છે." તેમણે ભગવાન રામના આદર્શોને રાષ્ટ્રની પ્રગતિ માટે માર્ગદર્શક ગણાવ્યા હતા.
ગુરુકુળ મહાવિદ્યાલયની મુલાકાત
મંદિરના દર્શન બાદ અદાણી પરિવારે 1935માં સ્થાપિત ઐતિહાસિક 'શ્રી નિશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલય'ની મુલાકાત લીધી હતી. આ એ જ સંસ્થા છે જેની મુલાકાત ભૂતકાળમાં મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવી વિભૂતિઓએ લીધી હતી. અહીં ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને વૈદિક શિક્ષણ પ્રણાલીનું અવલોકન કર્યું હતું.
પરંપરા અને AIનું જોડાણ
મુલાકાત દરમિયાન અદાણીએ એક મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ભલે દેશ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફ ગતિ કરી રહ્યો હોય, પણ આપણી મૂળ જ્ઞાન પ્રણાલીનું જતન કરવું અનિવાર્ય છે. આ વિચારને સાકાર કરવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગુરુકુળમાં AI-સક્ષમ પ્રયોગશાળા (AI Lab) સ્થાપવા અને આધુનિક સંસાધનો દ્વારા ગુરુકુળ ઈકોસિસ્ટમને ટેકો આપવાની ખાતરી આપી હતી.
સેવા હી સાધના
પોતાની ફિલોસોફી "સેવા હી સાધના હૈ" ને દોહરાવતા ગૌતમ અદાણીએ જણાવ્યું કે સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા એ કોઈ કાર્ય નથી પણ એક નિરંતર સાધના છે. આ મુલાકાત તેમના પ્રયાગરાજ કુંભ મેળો અને જગન્નાથ રથયાત્રા જેવા સાંસ્કૃતિક જોડાણોની કડી સમાન છે.








