એરપોર્ટ પર ચણાજોર ગરમ વેચવાની બબાલમાં 2ને ગોળી મારી, પોલીસે વેશ પલટો કરી 15 વર્ષે 2 આરોપીને ઝડપ્યા
અમદાવાદના એરપોર્ટની બહાર ચણા જોર ગરમ વેચવા માટેની જગ્યા બાબતે થયેલા ઝઘડામાં 2 યુવકોની ગોળી મા

અમદાવાદના એરપોર્ટની બહાર ચણા જોર ગરમ વેચવા માટેની જગ્યા બાબતે થયેલા ઝઘડામાં 2 યુવકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 15 વર્ષ પહેલા બનેલી ઘટનામાં ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી અંતે પોલીસના શિકંજામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે વેશપલટો કરીને ગુનેગાર સુધી પહોંચવામાં સફળતા મળી છે. ઝોન 2 LCBએ આજથી 15 વર્ષ પહેલા ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપનારા આરોપીઓ મુન્નાસિંગ કુશવાહ અને સીતારામ કુશવાહને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ એરપોર્ટ પર થયેલી બબાલમાં કરેલી હત્યા પાછળ કોઈ જૂની અદાવત કે પૈસાની બાબત નહીં પરંતુ ચણા જોર ગરમ વેચવા માટેની જગ્યાનો ઝઘડો હતો.
ચણાજોર ગરમ વેચવાની જગ્યા બાબતે બબાલ
અમદાવાદના એરપોર્ટ બહાર રામ અવતાર પ્રજાપતિ તેના ચાર સાળાઓ સાથે ચણા જોર ગરમ વેચવાનું કામ કરતો હતો, સાંજથી લઈને મોડી રાત સુધી બધા ચણાજોર ગરમ વેચતા હતા. આ જગ્યા ઉપર મુન્નાસિંગ કુશવાહ અને સીતારામ કુશવાહ એમ બંને જણા પણ ચણાજોર ગરમ વેચતા હતા. જોકે ધંધો કરવા માટેની જગ્યાને લઈને તેઓની વચ્ચે તકરાર ચાલતી હતી. જેની અદાવત રાખીને 21 નવેમ્બર 2009 ના રોજ રાતના સમયે એરપોર્ટ પરથી ઑટો રિક્ષામાં ઘરે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન પ્રબોધ રાવળ બ્રિજ પાસે પહોચતા ઑટો રિક્ષામાં આવેલા 14 જેટલા શખ્સોએ રામ અવતાર પ્રજાપતિ અને તેના સાળા પર અંધાધુધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ફરિયાદીના સાળા શ્રીકાંત અને મુકેશનું મોત થયું હતું.
પોલીસે 6 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી
આ ડબલ મર્ડર કેસમાં પોલીસે 6 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી. જોકે ફાયરિંગ કરીને હત્યા કરી ફરાર થયેલા મુખ્ય બે આરોપીઓ પકડવાના બાકી હોય ઝોન 2 એલસીબીની ટીમે તેઓની શોધખોળ શરૂ કરી હતી. એલસીબીના PSI કે. ડી પટેલને માહિતી મળી હતી કે, આ ગુનામાં સામેલ બંને આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ખાતે સંતાયા છે. આ આરોપીઓને પકડવા રાજસ્થાનના ધોલપુર તેમજ મધ્યપ્રદેશના મુરેના ગામમાં એલસીબીની ટીમ પહોંચી હતી. આ બંને ગામ ખૂબ જ નાના હોય અને આરોપીને પોલીસ પકડવા આવી છે તેવી માહિતી પહોંચી જવાની શક્યતાને પગલે એલસીબીના પોલીસ કર્મીઓ દ્વારા સ્થાનિક પહેરવેશ ધારણ કરી વેશ પલટો કરાયો હતો. પોલીસ ફ્રુટની લારીના ફેરિયા, દૂધવાળો, તેમજ ખેડૂત બની ટ્રેક્ટર ચલાવવા જેવું કામ કરીને બે દિવસની મહેનત બાદ મુન્નાસિંગ કુશવાહને પકડી પાડવામાં સફળ રહી હતી.
બંને આરોપીને પકડવામાં સફળતા મેળવી
મુન્નાસિંહ પકડાયા પછી પોલીસે કડકાઈથી તેની પૂછપરછ કરતાં તેનો સાથી અન્ય આરોપી સીતારામ કુશવાહ મધ્યપ્રદેશના મૂરેના ખાતે હોવાનું જણાવતા તેને પણ પોલીસે પકડી પાડ્યો હતો. આ ડબલ મર્ડર કેસમાં અગાઉ સંતોષ કુશવાહ, સુરજ કુશવાહ, બબલુ કુશવાહ, ગોકુળ કુશવાહ, સુંદર કુશવાહ અને ભૂરાસિંહ કુશવાહની ધરપકડ કરાઈ હતી. તેમજ બે આરોપીઓ મૃત્યુ પામ્યા આવવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓએ 15 વર્ષ પહેલા ગુનો આચર્યો હોય અને ઝોન 2 LCB પાસે બંને આરોપીઓના હાલના ફોટો પણ ન હોય હ્યુમન સૉર્સના આધારે બંનેને પકડવામાં સફળતા મેળવી છે.
હાલ પોલીસ આ બંને આરોપીઓ ગુનો આચરવા માટે હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને આ ગુનામાં સામેલ અન્ય ફરાર આરોપીઓ ક્યાં છે તે બાબતને લઈને તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં શું ખુલાસા થાય છે તે આગામી સમયમાં જાણવા મળશે.








