ભ્રષ્ટાચારથી ખદબદતું ગુજરાત! / ACBએ પાંચ મહિનામાં 10 અધિકારીની 25 કરોડની બેનામી મિલકતો શોધી કાઢી
સરકારમાં લાંચ લેવાના 104 કેસ પકડયા, દર મહિને 20 થી 25 કેસો થાય છે, કન્વિક્શન 46 ટકા થયા

સરકારમાં લાંચ લેવાના 104 કેસ પકડયા, દર મહિને 20 થી 25 કેસો થાય છે, કન્વિક્શન 46 ટકા થયાનો દાવો
ગુજરાતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા લાંચ રૂશ્વત બ્યુરોએ ચાલુ વર્ષે લાંચ લેવાના 104 કેસ કરી 10 સરકારી અધિકારી અને કર્મચારીઓની 25.04 કરોડની બેનામી મિલકતો શોધી કાઢી છે. સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડી કુલ 13 અધિકારી તેમજ કર્મચારીઓ સામે કેસ દાખલ કર્યા છે.
ફરિયાદ બાદ ફરિયાદીને હેરાન કરવામાં આવે છે
એક અધિકારીએ જણાવ્યું હતું કે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં લાંચ અંગેની ફરીયાદ આપવામાં આવ્યા પછી ફરીયાદીને જે તે વિભાગ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાની ઘણી રજૂઆતો બ્યુરો તથા સરકાર કક્ષાએ થતી હતી. આ સ્થિતિને નિવારવા અને ફરીયાદીને યોગ્ય અને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે કેર કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ કુલ ૯૦૦થી વધુ ફરીયાદીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે.
સરકારની સૂચનાથી કમિટીની રચના
તેમણે કહ્યું કે પહેલા લાંચના કેસોમાં કન્વિકશન રેટ ખૂબ ઓછો હતો પરંતુ સરકારની સૂચના પ્રમાણે આ રેટ વધારવા માટે કમિટીની રચના કરવામાં આવી છે અને દર મહિને તેની બેઠક યોજવામાં આવે છે, જેના કારણે ચાલુ વર્ષે પ્રથમ ત્રિમાસીકમાં કન્વીક્શન રેટ 46 ટકાનો રહ્યો છે. મોરબી સેશન્સ અદાલત ખાતે એક જ દિવસે ACBના જુદા જુદા ત્રણ કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવી જેલની સજા અને રોકડ દંડ કરવામાં આવેલ છે.
સરકારી કચેરીઓમાં દર મહિને લાંચ લેવાના 20 થી 25 કેસ
લાંચ કેસ તેમજ અપ્રમાણસર મિલકતનાં કેસોમાં ઠોસ તપાસ થાય તેમજ વધુને વધુ સારી રીતે પુરાવાઓ એકત્રીત કરી શકાય તે માટે જુદા જુદા વિષયના નિષ્ણાતોની સેવાઓ પુરી પાડવામા આવે છે. એટલું જ નહીં, જેના સ્પાય કેમેરા, વોઈસ રેકોર્ડર તેમજ ગુપ્તતા જળવાઈ રહે તે મુજબના અન્ય અધ્યતન સાધનો લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દર મહિને રાજ્યની સરકારી કચેરીઓમાં અધિકારી અને કર્મચારી દ્વારા લાંચ લેવાના 20 થી 25 કેસ પકડાય છે.








