અમદાવાદમાં ભવિષ્ય બનાવવા આવેલી યુવતી નશાના રવાડે ચઢી બરબાદ થઈ, નોકરી ગુમાવી પણ ગુમાવી
કોઈ પણ પ્રકારનો નશો માનવીને કેટલો બરબાદ કરી નાંખે

કોઈ પણ પ્રકારનો નશો માનવીને કેટલો બરબાદ કરી નાંખે છે, તેનો એક કિસ્સો સામે આવ્યો છે. પરિવારને મદદરૂપ થવા અને ભવિષ્ય બનાવવા માટે હૈદરાબાદથી અમદાવાદ આવેલી એક યુવતી નશાના રવાડે ચડીને રીતસર બરબાદ થઈ ગઈ છે. બગીચામાં નિરાધાર હાલતમાં રહેલી યુવતીની મદદ કરીને તંત્રએ પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે.
એક્ટિવા અને મોબાઈલ ફોન ખોવાઈ ગયા, મકરબા ફાટક પાસે બગીચામાં નિરાધાર હાલતમાં રહેવું પડ્યું
અમદાવાદ શહેરમાં અનેક લોકોએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. પરંતુ સિક્કાના બીજા પાસા અનુસાર ઘણાં લોકો વ્યસનના રવાડે ચડી બરબાદ પણ થઈ ગયા છે. હૈદરાબાદની એક યુવતી ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે અમદાવાદ આવી હતી. પાલડી વિસ્તારમાં પીજીમાં રહેતી આ 30 વર્ષીય યુવતી ખરાબ સંગતમાં આવી જતા નશીલા પદાર્થોના વ્યસનમાં ફસાઈ ગઈ હતી.
નશાની લતના કારણે ધીમે ધીમે યુવતીનું પતન શરૂ થયું. નોકરી ગુમાવી દીધી, બચતના પૈસા પણ વપરાઈ ગયા. પીજીનું ભાડું ચૂકવવાના પૈસા રહ્યા નહોતા. તેનો મોબાઈલ અને એક્ટિવા પણ ખોવાઈ ગયા હતા. આખરે નિરાધાર બનેલી યુવતી મકરબા ફાટક પાસે બગીચામાં રહેવા મજબૂર બની હતી. બે દિવસથી બગીચામાં રહેતી આ યુવતીએ આખરે 112 હેલ્પલાઈનનો સંપર્ક કર્યો. પોલીસ, અભયમ્, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મ્યુનિસિપલ તંત્રએ સાથે મળીને આ યુવતીને આશ્રય ગૃહમાં ખસેડી. બાદમાં સંપર્ક કરીને તેના પરિવારને હૈદરાબાદથી અહીં બોલાવી પુનઃમિલન કરાવ્યું હતું.






