Video: ઉમરગામમાં ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 2 કિમી દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નગવાસ ખાતે આવેલા મહાકાય ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉનમાં આજે બપોરના સમયે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને માલ-સામાનને ચપેટમાં લેતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
2 કિમી દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા
પ્રાથમિક માહિતી મુજબ, આ ગોડાઉનોમાં ખાનગી કંપનીઓનો પેન્સિલ ઓઇલ, કાચો અને તૈયાર માલ સહિત અન્ય ચીજવસ્તુઓનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા આશરે બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે વાપી, ઉમરગામ અને સરિગામની ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી રહી છે.
બીજી તરફ, આવા વિશાળ ઔદ્યોગિક ગોડાઉનોમાં ફાયર સેફ્ટીની પૂરતી સુવિધાઓ છે કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે. ગોડાઉનમાં સંગ્રહિત ઓઇલ અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓને કારણે આગ વધુ વિકરાળ બનવાની આશંકા છે. આવી ઘટનાઓ આસપાસના ગામો અને પર્યાવરણ માટે જોખમ ઊભું કરી શકે છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવવાની બાકી છે.












