Video: પતિના AI ના વધુ પડતા ઉપયોગથી તણાવનો પત્નીનો આક્ષેપ, પુત્રીની કસ્ટડી માટે પિતાએ હાઈકોર્ટમાં કરી હતી હેબિયસ કોર્પસ અરજી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના વધતા ઉપયોગ વચ્ચે હવે દાંપત્યજીવનમાં પણ તેની અસરના આક્ષેપો સામે આવ્યા છે. પતિના ChatGPTના વધુ પડતા ઉપયોગથી તેના વર્તન અને પારિવારિક સંબંધો પર અસર પડી હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. પત્નીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી પતિ ChatGPTનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા હતા. રોજિંદી નાની-મોટી બાબતોમાં પણ તેઓ AIની મદદ લેતા હતા. આ ઉપરાંત, એક મહિલા તબીબ પ્રત્યે પતિને એકતરફી લાગણી થઈ હોવાના અને તેમને પ્રેમભાવ દર્શાવતા પત્રો લખ્યા હોવાના પણ પત્નીએ આક્ષેપો કર્યા હતા. જોકે પુત્રીની કસ્ટડી મેળવવા પિતાએ કરેલી હેબિયસ કોર્પસ અરજીને હાઈકોર્ટે પ્રવેશ તબક્કે જ ફગાવી દીધી છે. સાથે જ અદાલતે સ્પષ્ટ કર્યું કે સગીર બાળકીની કસ્ટડીના મામલે તેનું કલ્યાણ સર્વોપરી છે.ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે સગીર બાળકની કસ્ટડી નક્કી કરતી વખતે માતા કે પિતાના વ્યક્તિગત અધિકાર કરતાં બાળકના કલ્યાણને પ્રાથમિકતા આપવી જરૂરી છે.








