મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ: માસૂમની હત્યા કરનાર લંપટ આચાર્ય સામે ભારે ફિટકાર, ફાંસી આપવાની ઉગ્ર માંગ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ-1ની માસૂમ વિદ્યાર્થિનીના હત્યાર

દાહોદ: માસૂમની હત્યા કરનાર લંપટ આચાર્ય સામે ભારે ફિટકાર, ફાંસી આપવાની ઉગ્ર માંગ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ-1ની માસૂમ વિદ્યાર્થિનીના હત્યારા 56 વર્ષના આચાર્ય ગોવિંદ નટ સામે સમગ્ર રાજ્યમાં ફિટકાર જોવા મળી રહ્યો છે. હત્યારા આચાર્યને ફાંસી આપવા અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી બુલંદ બની છે. સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર આચાર્યએ માસૂમની છેડતી કરવામાં નિષ્ફળતા મળતાં કારમાં જ ગળું દાબીને ઠંડે કલેજે હત્યા કરીને વિદ્યાર્થિનીના મૃતદેહને પોતાની શાળામાં જ મૂકી દીધો હતો.

ગોવિંદ નટને ફાંસી આપવાની માંગ

વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે શિક્ષકો અને માસૂમ  વિદ્યાર્થિનીઓની પૂછપરછમાં આચાર્યના જઘન્ય કૃત્યનો પર્દાફાશ થતા હત્યારાને પોલીસે દબોચી લીધો હતો, અને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે તેને ચાર દિવસના રિમાન્ડ પર લીધો  હતો. આ ઘટનાના પડઘા માત્ર તાલુકામાં જ નહીં પરતું સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. આચાર્ય ગોવિંદ નટના દૃષ્કૃત્ય સામે ઠેરઠેર રોષ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના તમામ સમાજના લોકોમાં આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી

સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાની ઠ વર્ષની માસૂમ વિદ્યાર્થિનીની હત્યાની ઘટના પછી ગામમાં સન્નાટો છવાયો છે. ગામમાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલતા ગભરાઈ રહ્યા છે. તોરણી પ્રાથમિક શાળામાં કુલ 196 રજીસ્ટર બાળકોની સંખ્યામાંથી માત્ર 81 જ બાળકો હાજર રહ્યા હતા.

ચલ બેટા બેસી જા કહી કારમાં જ રાક્ષસી કૃત્ય આચર્યું

આચાર્યના કાળા કરતૂત બાદ હત્યાનો ભોગ બનેલી માસૂમ બાળકીની માતાએ જણાવ્યું હતું કે મારે 4 વર્ષનો દીકરો અને 6 વર્ષની બાળકી મળી બે બાળકો હતાં, દીકરો નાનો હોવાથી શાળામાં મૂક્યો ન હતો, અને બાળકીને અભ્યાસ માટે તોરણી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. શાળા ઘરેથી દોઢ કિલોમીટરના અંતરે આવેલી હોવાથી હું બાળકીને લઈને ઘરથી થોડે દૂર આવેલ રસ્તા પર ઉભી રહેતી હતી અને ત્યાંથી પસાર થતાં ચાર શિક્ષકોમાંથી કોઈપણ શિક્ષક મળે તો તેઓની કારમાં બેસાડીને લઈ જતા હતાં. ઘટના બની તે દિવસે હું મારી પુત્રીને લઈને  આ જ માર્ગ પર ઉભી રહી હતી, ત્યારે સવા દસ વાગ્યો આચાર્ય ગોવિંદ નટ ત્યાંથી પસાર થતો હતો. મને તેમજ પુત્રીને જોઈને તરત જ કાર ઉભી રાખી, ચલ બેટા મારી કારમાં બેસી જા તેમ જણાવી ને તે કારમાં બેસાડીને લઈ ગયો હતો. મને ક્યાં ખબર હતી કે આ મારી પુત્રી સાથેની અંતિમ મુલાકાત હશે. બેટા કહીને લઈ ગયેલો આચાર્ય આટલો રાક્ષસ નીકળશે તેનો અંદાજ પણ ન હતો.

આ સમાચાર શેર કરો