અમદાવાદમાં પત્રકાર બની તોડ કરતી ટોળકી સામે નોંધાઇ ફરિયાદ
અમદાવાદમાં પત્રકાર બનીને તોડ કરતી ટોળકી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીને

અમદાવાદમાં પત્રકાર બનીને તોડ કરતી ટોળકી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીને વોટ્સએપ કોલ કરી બદનામ કરવાના ઇરાદે ત્રણ લોકોએ પૈસાની માંગણી કરી હતી. જો પૈસા ના આપે તો ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પત્રકાર બની તોડ કરતી ટોળકી સક્રિય
મળતી માહિતી અનુસાર, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બિલ્ડીંગ કંસ્ટ્રક્શનનો ધંધો કરતા ફરિયાદીને ઉઝેફ તિરમીઝી નામના વ્યક્તિએ વોટ્સએપ પર કોલ કરીને પોતે The Power Of Truth ન્યુઝ ચેનલની ઓળખ આપી હતી. તે બાદ ફરિયાદીના ભાઇ વિરૂદ્ધ થયેલી ફરિયાદ સંબંધે વાતચીત કરી ન્યુઝ સમાચારમાં પ્રસિદ્ધ ના કરવા માટે પતાવટ માટે 75000 રૂપિયાની માંગ કરી પૈસા પડાવ્યા હતા.
તે બાદ ફરી એક વખત આ ન્યુઝ ચેનલના પત્રકારની ઓળખ આપી વોટ્સએપ કોલ કરીને સમાચાર પ્રસિદ્ધ ના કરવા માટે 3 લાખ રૂપિયાની માંગ કરી હતી. ઉઝેફ તિરમીઝીએ આબેદા પઠાણ તથા સાબિર શેખ સાથે વોટ્સએપ કોલમાં કોન્ફરન્સમાં કોલ કરાવી હતી અને તેમના પરિવારના સમાચાર પ્રસિદ્ધ ના કરવા હોય તો પૈસા આપવા પડશે અને જો પૈસા નહીં આપો તો ન્યુઝમાં સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી હતી.
બદનામી થવાના ડરના કારણે ફરિયાદી વાતચીત કરી બધુ પતાવટ કરવા માંગતા હતા પણ અવાર નવાર ન્યુઝ પ્રસિદ્ધ કરી બદનામ કરવાની ધમકીઓ મળતી હતી. તે બાદ ફરિયાદીએ અંતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઉઝેફ તિરમીજી, આબેદા શેખ તથા સાબીર હુસેન શેખ સામે ફરિયાદ નોંધાવી છે.








