પોરબંદરમાંથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, ચલાવતો હતો દવાખાનું
પોરબંદરમાં નકલી ડોક્ટરોનો પોલીસ પર્દાફાશ કરી રહી છે. ત્યારે વધુ એક ડોક્ટરની રાણાકંડોરણા ગામેથી ધરપ

પોરબંદરમાં નકલી ડોક્ટરોનો પોલીસ પર્દાફાશ કરી રહી છે. ત્યારે વધુ એક ડોક્ટરની રાણાકંડોરણા ગામેથી ધરપકડ કરી છે. છેલ્લા બે માસથી નિરવ મહેશભાઈ રાવલ નામનો વ્યક્તિ દુકાનમાં દવાખાનું ચલાવી રહ્યો હતો. આરોપી પાસેથી અલગ અલગ જાતની કેપ્સૂલ તથા ઇંજેકશનો વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે. પોરબંદર એસ.ઓ.જી.ને રાણા કંડોરણામાં બોગસ ડોક્ટર હોવાની માહિતી મળતાં સમગ્ર કાર્યવાહી કરાઈ હતી.
પોતાની પાસે કોઈ જ જરૂરી મેડિકલ ડીગ્રી નહીં હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરીને મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલા નિરવ મહેશભાઈ રાવલ નામના એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે. એ.એસ.આઇ રવિન્દ્રભાઈ ચાઉ તથા પો.હેડ.કોન્સ. મોહીતભાઈ ગોરાણીયાને બાતમી મળેલ આધારે રાણાકંડોરણા ગામે દુકાનમાં પોતાનું દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો હતો.
આરોપી કોઇપણ જાતની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડીગ્રી ન હોવા છતાં બોગસ ડોક્ટર તરીકે મેડીકલ પ્રેક્ટીસ કરી કેપ્સ્યુલ તથા ઇન્જેકશનો વગેરે દવાઓ આપતો હતો. કેપ્સ્યુલ, ટેબ્લેટ, ઇન્જેકશનો તથા મેડીકલ તપાસણીના સાધનો મળી ડોક્ટર પાસેથી પોલીસે ૩૫,૯૭૭ના મુદામાલ ઝડપ્યો છે.
જણાવી દઈએ કે એક મહિના અગાઉ પોરબંદરમાં કુતીયાણા થેપડા ઝાપા રાધાકૃષ્ણ બીલ્ડીગમાં આરોપીના રહેણાક મકાનમાથી પોલીસે તરૂણસિહ પ્રતાપસિહ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી. અનઅધીકૃત રીતે અન્ય વ્યકિતની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રેક્ટીસ કરતો મળી આવ્યો હતો.






