મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં નકલીઓની ભરમાર, નકલી ધારાસભ્ય બની છેતરપિંડી કરતો મહાઠગ ઝડપાયો

ગુજરાતમાં નકલી CMO, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી PMO, નકલી ટોલનાકુ, નકલી CID, નકલી જજ અને

ગુજરાતમાં નકલીઓની ભરમાર, નકલી ધારાસભ્ય બની છેતરપિંડી કરતો મહાઠગ ઝડપાયો

ગુજરાતમાં નકલી CMO, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી PMO, નકલી ટોલનાકુ, નકલી CID, નકલી જજ અને નકલી કોર્ટ બાદ હવે નકલી ધારાસભ્ય ઝડપાયા છે.

ભરૂચમાંથી નકલી ધારાસભ્ય ઝડપાયા

ભરૂચ જિલ્લા ભાજપના મહિલા આગેવાનને બદનામ કરનાર મહાઠગને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે. મહાઠગ ચિંતન પટેલ ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવી, ફેસબુક પર MLA લખી અને પોતે બહુ મોટો બિઝનેસમેન હોય તેવી ડંફાસો મારતો હતો.

ગુજરાતમાં નકલીની ભરમાર

ગુજરાતમાં કોઇપણ હોદ્દા નકલી બાકી રહ્યા નથી.ગુજરાતમાં બાકી હતું તે નકલી ધારાસભ્ય પણ સામે આવી ગયા છે. MLA ચિંતન પટેલ તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે મહાઠગે છેતરપિંડી આચરી હતી. વડોદરામાં કેટલાય સમયથી આશ્રય મેળવનાર ચિંતન પટેલ વડોદરાના અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં હાથ લાગતો નહતો.

અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ચિંતન પટેલ સામે માત્ર ભરૂચ જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં તેની સામે ગુનાઓ દાખલ થયા છે. છઠ્ઠા એડિશનલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબ ચિંતન પટેલનું વોરંટ ઇશ્યૂ કર્યા બાદ ભરૂચ પોલીસે વડોદરાથી તેને ઝડપી પાડ્યો છે. ચિંતન પટેલે ભૂતકાળમાં ભાજપના મહિલા આગેવાન સાથેના ફોર્ફ કરેલા ફોટો વાયરલ કરી મહિલા અગ્રણીને બદનામ કરવાનું કાવતરૂં રચ્યું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: 'બોલ બેન ભાઈ છું, બેહિજા મારી ગાડીમાં જો હામે પડી, ભાઈ બેઠો છે તું મોજ કર', ધાનાણીનો વીડિયો વાયરલ

ચિંતન પટેલનો ગુનાહિત ઇતિહાસ

ચિંતન પટેલનો લાંબો ગુનાઇત ભૂતકાળ છે. ચિંતને ભૂતકાળમાં અનેક મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવા ઉપરાંત વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઇ કરી છે. વિદેશમાં પોતાની સોનાની ખાણ હોવાની ડંફાસો મારતી ફેસબુક પર પોસ્ટ મુકતો હતો. રૂપિયાના બંડલો ફેસબુક પર પોસ્ટ કરી તે દાનમાં આપતો હોવાની ભ્રામક પોસ્ટ કરી લોકોને પોતાની વાતોમાં ફસાવતો હતો. ચિંતને પોતાની છાપ ઉભી કરવા માટે ભાજપના મોટા નેતાઓ સાથે ફોટા પડાવતો હતો. ભાજપના નિશાન સાથે પોતાનું વિઝિટીંગ કાર્ડ પણ છપાવ્યું હતું. 

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે તેને પકડી પાડતા હવે પૂછપરછમાં આગામી દિવસોમાં તેના વધુ કારનામા બહાર આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો