અમદાવાદમાં એસી ટ્રેનો પણ સલામત નથી! એક વર્ષમાં અધધ...46 હજાર ચાદરો, 1.10 લાખ નેપકિન ગાયબ
રેલવે દ્વારા એસી કોચમાં પેસેન્જરોને સવલત માટે બ્લેન્કેટ, ચાદર, ઓશિકા, કવર અને નેપકીન,

રેલવે દ્વારા એસી કોચમાં પેસેન્જરોને સવલત માટે બ્લેન્કેટ, ચાદર, ઓશિકા, કવર અને નેપકીન, બાથ ટુવાલ વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ AC કોચમાં પ્રવાસ કરતા મુસાફરોને અપાયેલી સવલતોમાંથી દર મહિને આમાં ઓછા થતા જાય છે. રેલવેના રિપોર્ટ મુજબ અમદાવાદની ટ્રેનોમાં વર્ષ 2023-24ના સમયગાળામાં સૌથી વધુ 1.10 લાખ નેપકીન, 46 હજાર ચાદરની તેમજ 31 હજાર ઓશિકાંના કવરની ચોરી થઈ હતી. જેને પગલે ઘણીવાર કર્મચારીઓ પેસેન્જરોને ટોવેલ સહિત પૂરતી વસ્તુ આપતા નથી.
જણાવી દઈએ કે, ટ્રેનના એસી કોચમાં પેસેન્જરોને સીટ ઉપર પાથરવા માટે ચાદર, કવર સહિત ઓશિકા, ટોવેલ, ઓઢવા માટે બ્લેન્કેટ, બાથ ટોવેલ આપવામાં આવે છે. પરંતુ ટ્રેનમાંથી આ વસ્તુઓ જ ચોરાઈ જાય છે. રેલવે દ્વારા મુસાફરોને ફેસિલિટી અપાય છે. પરંતુ ઘણાં પ્રવાસીઓ કે પછી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા ક્યાંક ગુમ કરી દેવાતી હોવી જોઈએ. રેલવેના નિયમ પ્રમાણે આ વસ્તુઓની ઘટની ભરપાઈ કોચના કોન્ટ્રાક્ટર પાસેથી કરાય છે.
કોન્ટ્રાક્ટરો પોતાને થયેલી સજાની ભરપાઈ કર્મચારીઓના પગારમાંથી વસૂલી કરે છે. રેલવે દ્વારા મુસાફરોને વિનંતી પણ કરાય છે કે તમને વાપરવા આપેલી વસ્તુઓ તમારો પ્રવાસ પૂરો થાય એટલે પરત જમા કરાવી દેશો. અથવા આપની સીટ ઉપર જ રહેવા દેશો તો પણ કોચ કર્મચારી તે કલેક્ટ કરીને વોશિંગ કરવા આપી શકે.
રેલવે અધિકારીએ જણાવ્યું કે, તમામ પેસેન્જરોને તેમની સીટ પર લિનન પહોંચાડવામાં આવે છે. પરંતુ મોટી સંખ્યામાં લિનન સેટની ચોરી થતી હોવાના કારણે ઘણીવાર પેસેન્જરોને બેડશીટ, પિલો તેમજ બ્લેન્કેટ જ આપવામાં આવે છે જ્યારે ટોવેલ તેમજ ફેસ ટોવેલ અપાતા નથી. મુસાફરી પૂર્ણ થયા બાદ આ લિનન સેટ ગણતરી કરીને પાછા લેવામાં આવે છે. પરંતુ મુસાફરી બાદ ઘણીવાર નેપકીન, ટોવેલ સહિતની કેટલીક વસ્તુઓની ઘટ જોવા મળે છે. જેના કારણે આ નુકસાનની ભરપાઈ રેલવે દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી કરવામાં આવે છે.






