તાપી, સાબરકાંઠા, જુનાગઢ જિલ્લામાં ત્રણ રોડ અકસ્માતમાં 4 લોકોના મોત, પાંચથી વધુ ઘાયલ
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલદા ગામની સીમમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જ

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલદા ગામની સીમમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર દંપતી પૈકી મહિલાનું મોત નીપજ્યું હતું. નજીકમાં તાડપત્રી આપવા જતા દંપતીને બાઇક ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ચીખલદા ગામના બબીતા ગામીત નામની મહિલાનું મોત થયું હતું. વ્યારા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિજયનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને ફોર વ્હીલર ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના મોત થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લક્ષ્મીપુરા પટીયા પાસે અવાર નવાર અકસ્માત સર્જાય છે. આ જગ્યા પર પોલીસ વાહન ચેકિંગ કરે તેવી સ્થાનિકોની માંગ છે. સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે આ રુટ પર નશાની હાલતમાં લોકો મુસાફરી કરી રહ્યા છે. અકસ્માત અટકાવવા માટે સ્થાનિકોએ પોલીસને રજુઆત કરી હતી.
જુનાગઢ જિલ્લાના કેશોદ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું. કેશોદના માંગરોળ રોડ પર ડોકા મરડી અને બાલાગામ પાટિયા વચ્ચે બે બાઈક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સિંગલ સવારી કરી રહેલાં કેશોદ નજીક ભાટસિમરોલી ગામના પરિણીત યુવકનું મોત થયું છે. બંને બાઈક પર સવાર તમામ 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતાં 108 મારફતે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં ડોક્ટરે બાઈક પર સિંગલ સવારી કરી રહેલાં ભાટ સિમરોલીના રોહિતભાઈ કાંતિભાઈ વાઢેર નામના યુવકને મૃત જાહેર કર્યો હતો. જયારે સામે અથડાયેલી બાઈક પર સવાર પતિ - પત્ની અને તેમનાં 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થતા કેશોદ સારવાર બાદ જુનાગઢ રિફર કરાયા છે. અકસ્માતની ઘટના બાદ પોલીસે મોત પામનાર યુવકના મૃતદેહનું પચનામું અને પોસ્ટમોર્ટસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મોતના પગલે તેમની પત્ની અને બે બાળકો નોંધારા બન્યાં છે તો પરિવાર પણ શોકમાં ગરકાવ થયો છે. પોલીસે અકસ્માતની આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.






