અમદાવાદમાંથી 10 લાખની કિંમતના ગાંજા સાથે 4 લોકોની કરાઈ ધરપકડ
પૂર્વ વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે. મેઘાણીનગ

પૂર્વ વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે. મેઘાણીનગરમાંથી પ્રેમી પંખીડા અને ખોખરામાં બે યુવકો સહિત ચાર લોકોને પોલીસે રૂ. 10 લાખના 20.171 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જેમાં મેઘાણીનગરમાં યુવક અને મહિલાને પોલીસે રૂ. 5.12 લાખના 10.250 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે તથા ખોખરામાં ચાદર નીચે સંતાડીને લઇ જતા બે આરોપીને પોલીસે રૂ. 4.96 લાખના 9.921 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા હતા.
બાતમીના આધારે કરાઈ ધરપકડ
મેઘાણીનગર પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં મહિલા અને યુવકને અટકાવ્યા હતા. તેમની પાસે રહેલા થેલામાંથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેમની પાસેથી રૂ. 5.12 લાખનો 10.250 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઇન્દ્રવદન બારોટ અને મેઘાણીનગરની મહિલાને પકડયા હતા. પૂછપરછ કરતા ગાંજો છારાનગરની અનિતાએ આપ્યો હતો. જેથી પોલીસે તેની પણ શોધખોળ શરુ કરી છે. ઝડપાયેલ બન્ને આરોપી પ્રેમીપંખીડા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી ઇન્દ્રવદન સામે કડી પોલીસ સ્ટેશનમાં મારા મારી સહિતની કલમ હેઠળ ચાર ગુના નોંધાયેલ છે. જ્યારે ઉમલા સામે એનડીપીએસના બે ગુના નોંધાયેલા છે.
સ્મશાન પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકા થતા કરાઈ ધરપકડ
ખોખરામાં હાટકેશ્વર સ્મશાન પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ટુ-વ્હીલર ચાલકને રોકીને તપાસ કરતા કાળા કલરના થેલાની ઉપર ચાદર ઓઢાડેલી હતી. પોલીસે ચાદર હટાવીને થેલાની તપાસ કરતા તેમાંથી રૂ. 4.96 લાખનો 9.921 કિલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે વસ્ત્રાલમાં રહેતા બસીરખાન ઉર્ફે કાલીયા વાહીદખાન પઠાણ અને ગોમતીપુરના અહેમદ હુસેન અંસારીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા અહેમદ હુસેન સુરત ગયો હતો. અને ત્યાંથી ગાંજાનો જથ્થો સુરતના કાલુ ઓરિસ્સાવાળા પાસેથી ખરીદીને છૂટક વેચાણ કરવા લાવ્યો હતો અગાઉ પણ બે વખત સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો.






