મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઠંડીનું આગમન - પ્રદૂષિત હવાથી અમદાવાદ બેહાલ, AMC હોસ્પિટલોમાં વાયરલ ફીવરના રોજ 1 હજાર કેસ

અમદાવાદમાં ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં વાઈરલ ફીવ

ઠંડીનું આગમન - પ્રદૂષિત હવાથી અમદાવાદ બેહાલ, AMC હોસ્પિટલોમાં વાયરલ ફીવરના રોજ 1 હજાર કેસ

અમદાવાદમાં ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજના એક હજાર કેસ નોંધાઈ રહયા છે. પ્રદૂષિત હવાના કારણે લોકો ખાંસી, શરદી જેવા રોગથી પણ બીમાર પડી રહયા છે. મચ્છરજન્ય મેલેરિયા, ઝેરી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે.સૌથી મહત્વની બાબત એ છે કે બોડકદેવ વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે.

એક તરફ ઠંડીની શરુઆત અને બીજી તરફ સતત પ્રદૂષિત શહેરની હવાના કારણે શરદી,ખાંસી જેવા રોગથી બચવા માટે શહેરીજનોને ઘરની બહાર નીકળતાની સાથે જ માસ્ક પહેરવાની ફરજ પડી રહી છે. કોર્પોરેશન દ્વારા  હવાના પ્રદૂષણને ઘટાડવા માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થતી હોય એવી સ્થિતિ છે પછી ભલેને નવરંગપુરા હોય  બોપલ હોય કે શહેરનો કોઈ પણ વિસ્તાર. વહેલી સવારે કે સાંજથી લઈ મોડી રાત સુધી લોકોને પ્રદૂષિત હવાના વાતાવરણ વચ્ચેથી પસાર થવુ પડે છે.

મચ્છરજન્ય એવા મેલેરિયાના 71, ઝેરી મેલેરિયાના 32, ડેન્ગ્યૂના 61 કેસ આ મહિનામાં નોંધાયા છે.ઝાડા ઉલટીના 210, ટાઈફોઈડના 164 તથા કમળાના 99 કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમા પાણી સપ્લાય આપવામા આવે છે. આ પાણીના લેવામા આવેલા સેમ્પલ પૈકી ૨૫ સેમ્પલ પીવાલાયક ના જણાતા અનફીટ જાહેર કરાયા છે. ૧૫ સેમ્પલમાં કલોરીન નીલ રીપોર્ટ આવ્યો છે.

ઈન્ફેકશન,શરદી અને કફના એક જ દિવસમાં 1433 કેસ

શહેરના વિવિધ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 86 જેટલા અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે. 24 નવેમ્બરના રોજ આ અર્બન હેલ્થ સેન્ટરમાં 7774 દર્દીને આઉટડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી. આ પૈકી 5968 નવા દર્દી હતા.ઈન્ફેકશન સાથે શરદી અને કફના 1433 દર્દી એક જ દિવસમાં નોંધાયા હતા.તાવના 848 કેસ, કમળાના 57 કેસ નોંધાયા હતા.

આ સમાચાર શેર કરો