રાજકોટ: 31મીની રાત્રે પરત ફરી રહેલા યુગલને પોલીસની ઓળખ આપી 4 શખ્સોએ કર્યો અપહરણનો પ્રયાસ
રાજકોટની શાંત અને સલામત તરીકેની છાપ સામે પ્રશ્નો ઉઠાવી લાંછન લગાડતી ઘટના થર્ટી ફર્સ્ટની રાત્રે બની

રાજકોટની શાંત અને સલામત તરીકેની છાપ સામે પ્રશ્નો ઉઠાવી લાંછન લગાડતી ઘટના થર્ટી ફર્સ્ટની રાત્રે બની હતી. જેમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી કારમાં ઘરે જઈ રહેલા યુગલને આંતરી પોલીસ તરીકેની ઓળખ આપી, અપહરણ કરી, ડરાવી-ધમકાવી, લૂંટ કરી, ખંડણી માગી, યુવતિની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેની ગંભીરતા ધ્યાને લઈ ગાંધીગ્રામ-ર પોલીસે તપાસ બાદ શકમંદોને સકંજામાં લીધા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે એક યુવક 31મીનીરાત્રે તેની મહિલા મિત્ર સાથે અવધ રોડ પરની હોટલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીના ભાગરૂપે જમવા ગયો હતો. આ યુગલ રાત્રે હોટલમાંથી જમીને પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યું હતું ત્યારે હોટલેથી જ કારમાં પીછો કરીને આવેલા ચારેક શખ્સોએ આંતરી લીધા હતા.
પોલીસ તરીકેની ઓળખ આપી યુગલને ડરાવીને ધમકાવ્યું
આ શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી યુગલને ડરાવીને ધમકાવ્યું હતું. સાથો-સાથ તેમનું અપહરણ પણ કરી લીધું હતું. એટલું જ નહીં યુવક પાસેથી રૂા.૧૭૦૦ લુંટી લીધા હતા. આટલેથી નહીં અટકતાં યુવકના પરિવારને કોલ કરી ફરીથી પોલીસ તરીકેની ઓળખ આપી ખંડણીની પણ માંગણી કરી હતી. યુવક સાથે રહેલી તેની મહિલા મિત્રનો હાથ પકડી તેની છેડતી પણ કરી હતી.
શકમંદોને ઓળખી કાઢી સકંજામાં લીધા
આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ-ર પોલીસ હરકતમાં આવી હતી અને તપાસના અંતે આ ઘટનામાં સંડોવાયેલા શકમંદોને ઓળખી કાઢી સકંજામાં લીધા હતા. મોડી રાત્રે પોલીસે આ અંગે અપહરણ, છેડતી, મારકૂટ, ગેરકાયદે અટકાયત, લુંટ, ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો: AMCની ભરતીમાં ગોટાળો, 18-19 માર્ક્સવાળાને નોકરી પર લગાડનાર હેડ કલાર્ક સામે ફરિયાદ દાખલ
ઘટના ખુબ જ ગંભીર હોવાથી ઝોન-ર ના ડીસીપી જગદિશ બાંગરવા પણ ગાંધીગ્રામ-ર પોલીસ મથકે દોડી ગયા હતા. તે સાથે જ તેમના અને એસીપીના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ-ર પોલીસે ફરિયાદ નોંધવાની અને શકમંદો વિરૂધ્ધની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીઓએ યુવાનને પોલીસ તરીકેની ઓળખ આપી તેનો મોબાઈલ ફોન પણ ચેક કર્યો
ડીસીપીએ જણાવ્યું કે આરોપીઓએ કેટલી રકમની ખંડણી માંગી તે વિશે હજુ સુધી કોઈ ચોકકસ માહિતી મળી નથી. આરોપીઓનો હેતુ પૈસા પડાવવાનો જ હતો. આરોપીઓએ યુવાનને પોલીસ તરીકેની ઓળખ આપી તેનો મોબાઈલ ફોન પણ ચેક કર્યો હતો. એટલું જ નહીં યુવક અને તેની મહિલા મિત્રનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ ડરાવ્યા અને ધમકાવ્યા હતા. સાથો-સાથ યુવકને મારપીટ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને શહેરભરમાં જડબેસલાખ પોલીસ બંદોબસ્ત હતો આમ છતાં આ ઘટના બની હતી. જેને કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.








