અમૂલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન માટે 4 દાવેદારો મેદાને, હોદ્દેદારની પણ જાહેરાત થશે
આણંદની અમૂલ ડેરીની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૧૩માંથી ૧૧ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમત

આણંદની અમૂલ ડેરીની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૧૩માંથી ૧૧ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હોવા છતાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે હજુ સુધી ચૂંટણીઓ જાહેર ન થવાથી ભાજપમાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું હતું. હવે ૧૫ ડિસેમ્બરના રોજ અમૂલની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. અમૂલમાં ૧૫ ડિસેમ્બરે બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે ચેરમેન તથા વાઇસ ચેરમેનના પદ માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવશે અને તે જ દિવસે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત પણ કરવામાં આવશે.
અમૂલની બે મહિના અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ખેડા જિલ્લાની આઠ બેઠકોમાંથી સાત બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે આણંદ જિલ્લાની ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ઉપર જીત મેળવી હતી અને ખેડૂત વિભાગની એક બેઠક પણ ભાજપ જીતવામાં પ્રથમ વખત સફળ રહ્યું હતું. જેથી અમૂલની કુલ ૧૩ બેઠકમાંથી ૧૧ બેઠક ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી હતી. અમૂલ ડેરીના ૧૩ સભ્યો આણંદ અને ખેડા જિલ્લા એમ બંને જિલ્લામાં વહેંચાયેલા છે. હાલ આણંદ જિલ્લામાંથી કેડીસીસીના ચેરમેન તેજસ પટેલના પત્ની બીનાબેન પટેલ અને અમુલના વાઇસ ચેરમેન અને આણંદ બેઠકના કાંતિભાઈ સોઢા પરમાર પણ ચેરમેન પદના દાવેદાર ગણાઈ રહ્યાં છે. જ્યારે ખેડા જિલ્લામાંથી બાલાસિનોર બેઠકથી વિજેતા થયેલા પપ્પુ પાઠક અને હાલ અમૂલના ચેરમેન નડિયાદના વિપુલ પટેલ પણ સક્ષમ દાવેદારી નોંધાવી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે.
આણંદ અને ખેડા જિલ્લાના ધારાસભ્યો તથા સંસદ સભ્ય અને સંગઠનના અગ્રણીઓ વચ્ચે વારંવાર બેઠકો યોજાઈ હોવા છતાં બંને જિલ્લામાંથી જ્ઞાાતિવાદના સમીકરણોના આધારે કયા જિલ્લામાંથી ચેરમેન બનાવવો અને કયા જિલ્લામાંથી વાઇસ ચેરમેન બનાવો તે સંદર્ભે હજુ પેચ ફસાઈ રહ્યો હતો. જે સંદર્ભે અંદરખાને ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની પણ પસંદગી થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી હવે ૧૫ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત પણ કરી દેવાઇ છે.






