Ahmedabad news: AMC કમિશનરનો સખ્ત આદેશ, શહેરના વિવિધ રોડ પર પડેલા 3 હજાર ખાડા ત્રણ દિવસમાં પુરી દો
એક મહીનામાં અમદાવાદમા પડેલા પંદર ઈંચ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાંખી છે.

એક મહીનામાં અમદાવાદમા પડેલા પંદર ઈંચ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાંખી છે.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવમા ગટરના ગંદાપાણી વહી રહયા છે. શહેરના વિવિધ રસ્તાઓ ઉપર ત્રણ હજાર જેટલા ખાડા ત્રણ દિવસમાં પુરી દેવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને આદેશ કર્યો છે.શહેરમાં ભારે વરસાદના સમયમાં સોંપવામા આવેલા વિસ્તારોમાં ફરજ ઉપર પહોંચી જે તે વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે ફિલ્ડમાં પહોંચવા પણ તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી.
3 હજાર ખાડા ત્રણ દિવસમાં પુરી દો
૨૯ મેથી જુન અંત સુધીમા શહેરમા પડેલા વરસાદ અને ખાસકરીને ગત સપ્તાહે ઓઢવ વિસ્તારમાં ભારે વરસાદ અને ભરાયેલા વરસાદી પાણીના પ્રવાહમા તણાઈ જતા એક બાઈક સવારનુ મોત થયુ હતુ.આ ઘટના પછી મ્યુનિસિપલ કમિશનરે શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ તે વિસ્તારમા રહેતા લોકો અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ચાલી રહેલી વિવિધ કામગીરીની છેલ્લી સ્થિતિ અંગે માહીતી મેળવી હતી.
માત્ર અમદાવાદ પૂર્વના વિસ્તારમાં જ ૪૭૯ ખાડા પડયા
અમદાવાદ પૂર્વમાં આવેલા ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા,રામોલ,હાથીજણ ઉપરાંત વસ્ત્રાલ, ઓઢવ,નિકોલ અને વિરાટનગર વોર્ડમાં વરસાદના કારણે વિવિધ રસ્તા ઉપર ૪૭૯ ખાડા પડયા હતા.૭૪ ખાડા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનના કારણે પડયા હતા.આ પૈકી અત્યારસુધીમા ૩૯૨ ખાડા પુરવા રુપિયા સાત લાખનો ખર્ચ કરાયો છે.
વોર્ડ રોડ ઉપરના ખાડા
ગોમતીપુર ૧૧૪
અમરાઈવાડી ૪૫
ભાઈપુરા ૩૨
રામોલ ૩૧
વસ્ત્રાલ ૫૭
ઓઢવ ૯૧
વિરાટનગર ૫૯
નિકોલ ૫૦
ખાડા પુરવા કોની રાહ જુઓ છો
બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા મળેલી અધિકારીઓની બેઠકમાં વિવિધ વિસ્તારમા આવેલા તળાવોની પરિસ્થિતિને લઈ તેમણે વોટર રીસોર્સ મેનેજમેન્ટ વિભાગ સંભાળતા અધિકારીનો ઉધડો લીધો હતો.તેમણે કહયુ, તમે તળાવોના ઈન્ટરલિંકીંગની વાતો કરો છો. તળાવોનુ ઈન્ટરલિંકીંગ કરાયુ હોય તો પછી તળાવોમાં ગટરના ગંદા પાણી કયા કારણથી વહી રહયા છે.વરસાદ પડવાથી શહેરના વિવિધ રસ્તાઓ ઉપર હાલમા પણ ત્રણ હજારથી વધુ ખાડા પુરવામા આવ્યા નથી. આ બાબતમાં કમિશનરે કહ્યુ,આ ખાડા પુરવા કોની રાહ જુઓ છો.શહેરના રીંગ રોડ ઉપર આવેલા સર્વિસ રોડ ઉપરાંત બોપલ તથા નિકોલના મધુમાલતી આવાસ યોજનામા ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી કામગીરી ઝડપથી પુરી કરાવવા કમિશનરે સુચના આપવી પડી હતી.








