ગુજરાતમાં ક્રૂરતાની હદ પાર કરતી 3 ઘટના: 5 માસૂમોનો લેવાયો ભોગ; 2 ઘટનામાં તો માતાઓ હત્યારી બની, તો ક્યાંક ઘરનું આંગણું પણ અસુરક્ષિત!
ગુજરાતના જુદા જુદા શહેરોમાં છેલ્લા બે દિવસમાં બનેલી ત્રણ હૃદયદ્રાવક ઘટનાઓએ રા

ગુજરાતના જુદા જુદા શહેરોમાં છેલ્લા બે દિવસમાં બનેલી ત્રણ હૃદયદ્રાવક ઘટનાઓએ રાજ્યમાં માનવતા અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગાંધીનગર, રાજકોટ અને નવસારીમાં માસૂમ બાળકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી, જેમાં બે કિસ્સામાં માતા જ હત્યારી બની છે. આ ઘટનાઓ સાબિત કરે છે કે, કાયદો અને વ્યવસ્થાની સાથે માનસિક સ્વાસ્થ્યનું સંકટ પણ કેટલું ઘેરું છે.
1. ગાંધીનગર: બાળકીનું ઘર જ બન્યું કબ્રસ્તાન!
ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું રાયપુર ગામ એક અત્યંત અરેરાટીભરી ઘટનાથી ધ્રૂજી ઉઠ્યું છે. બે દિવસથી ગુમ 9 વર્ષની બાળકીની ગળું દબાવી હત્યા કરાયેલી લાશ ઘરના પાછળના ભાગે આવેલી ઓસરીમાંથી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી મળી આવી. જે જગ્યાએ બાળકી સુરક્ષિત હોવી જોઈએ, તે જ જગ્યાએ તેની લાશ મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે બાળકીનું ગળું દબાવીને હત્યા કરાયાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. એસપી, એલસીબી અને FSLની ટીમ દ્વારા પુરાવા એકઠા કરાયા છે, પણ આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર હત્યારાને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
2. રાજકોટ: પુત્રની ઝંખના કે ડિપ્રેશન?
રાજકોટના નવાગામ વિસ્તારમાં પણ એવી જ કાળજું કંપાવતી ઘટના બની. એક માતા, અસ્મિતાબેન સોલંકી (ઉ.વ. 32 ), એ પોતાની બે માસૂમ પુત્રીઓ – 7 વર્ષીય પ્રિયાંશી અને 5 વર્ષીય હર્ષિતાની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો. પોલીસને સ્થળ પરથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં પતિએ જણાવ્યું કે, પત્નીને સંતાનમાં પુત્ર જોઈતો હતો અને તે ન મળતાં ડિપ્રેશનમાં રહેતી હતી. પોલીસ હવે આ કારણ ઉપરાંત અન્ય પારિવારિક તણાવની દિશામાં પણ તપાસ કરી રહી છે.
3. નવસારી: સપનાનો આદેશ અને માનવતા શર્મસાર
નવસારી જિલ્લાના બીલીમોરા નજીક દેવસર ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જ્યાં એક માતાએ જ પોતાના બે માસૂમ બાળકોની ગળું દબાવી હત્યા કરી દીધી. આરોપી માતાએ પોલીસને જણાવ્યું કે તેને મધરાતે એક ભયાનક સપનું આવ્યું હતું અને કથિત રીતે 'તારા બાળકોને મારી નાખ' તેવો આદેશ મળ્યો હતો. હત્યા બાદ આ મહિલાએ ઘરમાં હાજર તેના સસરાને પણ મારવાનો પ્રયાસ કર્યો, જોકે તેઓ ભાગી છૂટ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી માતાની માનસિક સ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે.
માતૃત્વ પર સવાલ કે માનસિક તાણ
રાજકોટ અને નવસારીના કિસ્સાઓ માતૃત્વ પર સવાલ ઊભા કરે છે. રાજકોટમાં માતાએ પુત્રીઓની હત્યા કરી આપઘાત કર્યો. જો પતિના નિવેદનને સાચું માનીએ તો, પુત્રપ્રાપ્તિની ઝંખનાને કારણે આવેલું ડિપ્રેશન આ ક્રૂર કૃત્યનું કારણ બની શકે છે. આ ઘટના સાબિત કરે છે કે સમાજમાં પુત્રની લાલસાનો મોહ મહિલાના મન પર કેટલો મોટો બોજ છે.
રાજકોટની ઘટના ભારતીય સમાજમાં દાયકાઓથી ચાલી આવતી પુત્રમોહની જાળ કેટલી ઘેરી છે, તે દર્શાવે છે. જોકે સરકારે કાયદાઓ સખત કર્યા છે, પરંતુ સામાજિક અને કૌટુંબિક સ્તરે પુત્રને જ વંશવેલો આગળ વધારનાર માનવાની માનસિકતા બદલાઈ નથી. આ માનસિકતાના કારણે દીકરીઓની માતાઓ પર સતત દબાણ રહે છે, જે તણાવ અને ડિપ્રેશનમાં ફેરવાય છે, અને અંતે હૃદયદ્રાવક ઘટનામાં પરિણમે છે.
માનસિક બીમારી કે ભ્રમણા
બીજી તરફ, નવસારીના બીલીમોરામાં માતાએ 'સપનામાં આદેશ' મળતા હત્યા કરી. આ પ્રકારના કૃત્યો પાછળ ઘણીવાર ગંભીર માનસિક બીમારી કે ભ્રમણા (Delusion) જવાબદાર હોય છે. જ્યારે માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે કથળે છે, ત્યારે વ્યક્તિનો પોતાની લાગણીઓ અને નિર્ણયો પરનો કાબૂ છૂટી જાય છે. આ બંને ઘટનાઓ સમાજમાં માનસિક સ્વાસ્થ્યના નિદાન અને સારવારની ગંભીર બેદરકારીને ઉજાગર કરે છે.
ગાંધીનગરના રાયપુર ગામનો કિસ્સો અલગ પ્રકારની ક્રૂરતા દર્શાવે છે. બે દિવસથી ગુમ 9 વર્ષની બાળકીની લાશ તેના જ ઘરની ઓસરીમાં પ્લાસ્ટિકના કોથળામાં મળી આવી. આ ઘટના બહારના જોખમોની સાથે-સાથે ઘરની અંદરના જોખમો તરફ પણ આંગળી ચીંધે છે. ત્યારે ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં જાણે કાયદાનો ખૌફ આ પ્રકારની ઘટનાને અંજામ આપનારા લોકોમાં ઘટી ગયો હોય તેવું લાગે છે. જ્યારે ઘરનું આંગણું પણ બાળકી માટે સુરક્ષિત ન રહે, ત્યારે તે સમાજની નિષ્ફળતાની ચરમસીમા છે. પોલીસ માટે આ કિસ્સો ઘરમાં કે નજીકના વ્યક્તિ દ્વારા હત્યાની દિશામાં તપાસ માટેનું ગંભીર સૂચન છે. ગાંધીનગર જેવા વિસ્તારમાં જ આ પ્રકારના કિસ્સા બને ત્યારે 'સુરક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત'ના દાવાઓ જાણે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગે.
માત્ર ગુનાખોરીના આંકડા નથી, પરંતુ
ત્રણ જુદા જુદા શહેરોની આ ઘટનાઓ માત્ર ગુનાખોરીના આંકડા નથી, પરંતુ સમાજમાં વ્યાપી રહેલા માનસિક તણાવ, નિરાશા અને પુત્રમોહ જેવી ગંભીર સમસ્યાઓનું પ્રતિબિંબ છે. આ કેસમાં કાયદેસરની સખત કાર્યવાહીની સાથે, માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ સાથે સમાજ આ માનસિક અને સામાજિક સંકટને સ્વીકારીને તેનો સામનો નહીં કરે, ત્યાં સુધી આવી કરુણ ઘટનાઓ અટકાવવી મુશ્કેલ છે.








