મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં 10થી વધુ જિલ્લાઓના 25000 આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દત સાથે હડતાળ પર

ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર

ગુજરાતમાં 10થી વધુ જિલ્લાઓના 25000 આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દત સાથે હડતાળ પર

ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાય તેવી શક્યતા છે. રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, મવસારી, સાબકાંઠા, ખેડા અને જામનગર સહિત 10થી વધુ જિલ્લાઓમાં આરોગ્ય કર્મચારીઓ મેદાને આવ્યા છે. જેમાં જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25 હજાર જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળને પગલે સમગ્ર તમામ જિલ્લાઓથી માંડી રાજ્યભરમાં આરોગ્ય સેવાઓને પ્રતિકૂળ અસર પડે તેવી ભિતી વર્તાઈ રહી છે.

આરોગ્ય કર્મચારી મહાસંઘે કરી જાહેરાત

રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘે નાણાંકીય અને વહીવટી પડતર પ્રશ્નો નહીં ઉકેલતા આ એલાન આપ્યું છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું કે, તારીખ 17 માર્ચથી આરોગ્ય કર્મચારી હડતાળ પાડીશું. ટેક્નિકલ ગ્રેડ-પે મુદ્દો ઉકેલાયો નથી. ખાતાકીય પરીક્ષા રદ કરવાનો પ્રશ્ન હજુય યથાવત્ રહ્યો છે. અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓએ ધરણા કર્યાં, દેખાવો કર્યાં, માસ સીએલ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું તેમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી.

રાજકોટમાં એક હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર

રાજકોટમાં 1000થી વધુ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ છે હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી સરકાર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી કર્મચારીઓ અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર ઉતરી આવ્યા છે. જેને પગલે ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ હતી. અગાઉ પણ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ 56 દિવસની હડતાળ કરી ચૂક્યા છે.

પંચમહાલમાં આરોગ્ય કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર.

પંચમહાલ જિલ્લામાં પંચાયતના કેન્દ્રના 600 કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા હતા. જેમાં તેમણે પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ કરી છે. પગાર વિસંગતતા, ખાતાકીય પરીક્ષા રદ કરવા, ટેક્નિકલ કેડરમાં સમાવેશ સહિતના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે આરોગ્ય કર્મીઓએ બાંયો ચડાવી છે. પંચમહાલ  જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપીને હડતાળ પર ઉતર્યા છે. જેને પગલે જિલ્લામાં આરોગ્ય સેવાઓને પ્રતિકૂળ અસર પડે તેવી ભિતી વર્તાઈ રહી છે.

આ સમાચાર શેર કરો