Gujaratમાં મગફળી ઉત્પાદનમાં 20%નો તોતિંગ ઘટાડો: SEAના ગ્રાઉન્ડ સર્વેમાં ખુલી સરકારી દાવાઓની પોલ

રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન વિપુલ ઉત્પાદન અને સુકાળની કાગળ પર દર્શાવાતી રાહત વચ્ચે દેશની અગ્રણી ઓઈલ ઈન્ડસ્ટ્રી સંસ્થા 'ધી સોલવન્ટ એક્સટ્રેક્શન એસોસિએશન ઓફ ઈન્ડિયા' (SEA)નો વાસ્તવિક ગ્રાઉન્ડ સર્વે કશુંક જુદું જ ચિત્ર ઉપસાવે છે. સંસ્થાના સૂત્રો મુજબ, વર્ષ 2026-27માં રાજ્યમાં મગફળીનું કુલ ઉત્પાદન ઘટીને 33.30 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે. ગત વર્ષના 41.88 લાખ મેટ્રિક ટન ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે 8.58 લાખ મેટ્રિક ટન એટલે કે લગભગ 20.5%નો તોતિંગ ઘટાડો નોંધાયો છે.
16 વર્ષથી ચાલતો કડક અને પ્રત્યક્ષ સર્વે
SEA નામની સંસ્થા દ્વારા છેલ્લાં 16 વર્ષથી આ સર્વે કરવામાં આવે છે. સંસ્થા સાથે સંકળાયેલા પ્રવીણભાઈ આસોદરિયાએ જણાવ્યું કે આ રિપોર્ટ કોઈ એરકંડિશન ઓફિસમાં બેસીને તૈયાર કરાયેલા સરકારી કાગળો જેવો નથી. 20 અનુભવી સભ્યોની ટીમે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં સધન ભ્રમણ કર્યું હતું. ટીમે ખેડૂતોના ખેતરોમાં જઈ વાવેતરની જાળી માપી, વરસાદની તારીખો અને વાવણી પછી ખેંચાયેલા વરસાદનું આકલન કર્યું હતું. આ ઉપરાંત 2000થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, તેલ મિલો અને માર્કેટિંગ યાર્ડની ચાલુ હરાજીઓમાંથી સીધા તારણો મેળવાયા છે.
દાણાના ભરાવમાં ઘટાડો અને ઉતારામાં ભારે ધોવાણ
સર્વેના તારણ મુજબ, વરસાદ ખેંચાવાથી અને જમીનમાં ભેજ ન રહેવાથી મગફળીના દાણાનો યોગ્ય ભરાવ થયો નથી. ગત વર્ષે પ્રતિ 1 કિલો મગફળીમાંથી 750 ગ્રામ દાણા નીકળતા હતા, જે આ વર્ષે ઘટીને 700 ગ્રામથી પણ ઓછા રહી ગયા છે. જિલ્લાવાર ઉતારાની વાત કરીએ તો:
દેવભૂમિ દ્વારકા: ગત વર્ષે વીઘા દીઠ 17 મણનો સરેરાશ ઉતારો હતો, જે ઘટીને આ વર્ષે માત્ર 3 મણ પ્રતિ વીઘે આવી ગયો છે.
પોરબંદર: ઉતારો ગત વર્ષના 20 મણથી ઘટીને આ વર્ષે માત્ર 7 મણ રહી ગયો છે.
વરસાદની વિષમતા અને સરકાર સામે ખેડૂતોનો આક્રોશ
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદમાં ભારે વિષમતા જોવા મળી હતી. એક જ જિલ્લાના ચોક્કસ તાલુકામાં સારો વરસાદ થયો હોય તો બાજુનો તાલુકો કોરોધાકોડ રહ્યો હતો. વાસ્તવિકતા સ્વીકારીને અછત કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાને બદલે સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો આરોપ ઉઠ્યો છે. સિંચાઈ કે પિયતની સુવિધા ન ધરાવતા સામાન્ય ખેડૂતોના ખેતરોમાં મગફળીના છોડ સૂકાઈ ગયા છે અથવા ઉતારો સાવ તળિયે બેસી ગયો છે. આમ છતાં, ખેડૂતોને સહાય અને દુષ્કાળ રાહતના લાભોથી વંચિત રાખવાની સરકારી માનસિકતા છતી થઈ છે.












