નવસારીમાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી ઘરેણાંની લૂંટ મચાવનાર 2 બેરોજગાર યુવક ઝડપાયા
નવસારીના બીલીમોરા શહેરમાં પોલીસ મથક નજીક 2 દિવસ અગાઉ થયેલી લૂંટનો ભેદ દિવસમાં

નવસારીના બીલીમોરા શહેરમાં પોલીસ મથક નજીક 2 દિવસ અગાઉ થયેલી લૂંટનો ભેદ દિવસમાં ઉકેલાઈ ગયો છે. સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે. મહત્વની વાત એ છે કે આ લૂંટમાં પ્રોફેશનલ ગેંગ નહીં પણ નવાસવા લૂંટારુ બનેલા 2 સ્થાનિક બેરોજગાર યુવાન હોવાનો ખુલાસો થયો છે.
બીલીમોરા પોલીસ સ્ટેશનથી માત્ર ગણતરીના અંતરે આવેલી પાસેની સહયોગ સોસાયટીમાં રહેતા 66 વર્ષીય મહેશભાઈ મોહનલાલ ગાંધી લેબોરેટરી ચલાવે છે, પરિવારમાં પત્ની સ્મિતાબેન ગુરુવારે સવારે 11:30 વાગ્યે ઘરમાં એકલા બેઠા હતા તે સમયે બે લૂંટારોએ રેકી કર્યા બાદ ઘરમાં પ્રવેશી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રસોડામાં કામ કરતી કામવાળીના કારણે તે શક્ય બન્યું ન હતું, અને સ્મિતાબેને ગળામાં પહેરેલી આશરે 1.5 લાખની કિંમતની સોનાની ચેન લઈને તોસ્કરો નાસી છૂટ્યા હતા. આ કેસમાં એલસીબી એ સ્થાનિક બાતમીદાર અને સીસીટીવી ખંખોળ્યા હતા જેમાં બે યુવાનો દેખાયા હતા જેમાં તેની ઓળખ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
ભોગ બનનાર મહેશભાઈ ગાંધીના ઘરથી થોડે દૂર રહેતા પ્રિન્સે જ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પકડાયેલા આરોપી પ્રિન્સ ટંડેલને ચૌધરી ચાય નામની ફ્રેન્ચાઇસી લેવાની હતી જેમાં તેને રૂપિયાની ખૂબ જરૂર હતી, તો બીજી તરફ આરોપી મિહિર ટંડેલને પણ દુબઈ જવા માટે પૈસાની જરૂર હતી જેથી બંને બેરોજગારોએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ પ્રથમ તે બંગલો ટાર્ગેટ કર્યો હતો જેમાંથી આરોપી ભોગ બનનારના ઘરમાં અવર-જવર કરતા દેખાય છે. જો કે, તે બંગલો બંધ રહેતા આરોપીએ પ્લાનમાં ચેન્જ કર્યો અને મહેશ ગાંધીના ઘરને ટાર્ગેટ કરી તેમના ઘરમાં ઘૂસ્યા અને મહિલાના ગળા ઉપર ચપ્પુ મૂકી લૂંટ કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલું મંગળસૂત્ર સહિત કુલ 2.08 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ બીલીમોરા પોલીસ સ્ટેશનના PI કે.ડી નકુમ તપાસ શરૂ કરી છે.





