વડોદરામાં GUJCTOC હેઠળ બિચ્છુ ગેંગના અસ્લમ બોડિયા અને મુન્ના તરબૂચની બે કરોડની મિલકતો જપ્ત
ગુજરાત સરકારે માથાભારે શખ્સો સામે GUJCTOC કાયદા હેઠળ કાર્યવાહી કરવા

ગુજરાત સરકારે માથાભારે શખ્સો સામે GUJCTOC કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ કરતા વડોદરામાં અસ્લમ બોડિયા અને મુન્ના તરબૂચની વાહનો અને જમીનો સહિત બે કરોડની કિંમતની મિલકતો જપ્ત કરી છે.
અસ્લમ બોડિયો અને મુન્ના તરબૂચની બે કરોડની મિલકતો જપ્ત
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના SP એચ.એ. રાઠોડે કહ્યું કે વડોદરા શહેરમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગના માથાભારે અને કુખ્યાત અસ્લમ બોડિયા સહિતના આરોપીઓ દ્વારા ઘણા લોકો સાથે દાદાગીરી તથા બળજબરી કરીને ગેરકાયદે મિલકત, મકાન અને જમીન પચાવી પાડી હતી. જેમાં અસ્લમ બોડિયા સહિતના 26 આરોપીઓ વિરુદ્ધ GUJCTOCના કાયદે હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાંથી અસ્લમ બોડિયા તથા મુન્ના તરબૂચે વસાવેલી મિલકત ગેરકાયદેસર હોવાનું માલૂમ પડતા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં આવેલી રૂ.2.02 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. છેલ્લા સવા વર્ષથી મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી ચાલતી હોવાનું બહાર આવ્યું છે.
મહમદહુસેન ઉર્ફે મુન્નો તરબૂચ શેખે ગેરકાયદે વસાવેલી મિલકત
- ડભોઇ રોડ પર દિવાળીપુરા ગામ પાસેની જમીનમાં બનાવેલુ ફાર્મ હાઉસ : રૂ.33.27 લાખ
- દિવાળીપુરા ગામ પાસે 32 રોહાઉસ મકાનો : 1.32 કરોડ, ઇનોવા કાર રૂ.7 લાખ
અસ્લમ ઉર્ફે બોડિયાએ ગેરકાયદે વસાવેલી મિલકત
- તાંદલજા તહુરાપાર્ક ખાતુના બે મકાન રૂ.44.75 લાખ,
- વાડી ખાતે તાહેરી બિલ્ડિંગનો ફ્લેટ રૂ.22.98 લાખ,
- ચાર રિક્ષા રૂ.2.15 લાખ
અસ્લમ બોડિયા સહિત 26 આરોપીઓ વિરુદ્ધ GUJCTOC હેઠળ નોંધાયો હતો ગુનો
વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગના કુખ્યાત અસ્લમ ઉર્ફે બોડિયા હૈદરમિયા શેખ સહિતની ટોળકીએ બળજબરીથી જમીન, મકાન મિલકત પચાવી પાડવા ઉપરાંત નાણાની લેતીદેતીના હવાલાના રૂપિયા પડાવવા જેવા પણ અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.
બિચ્છુ ગેંગના આ આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ લૂંટ, ધાડ, છેતરપિડી, સહિતના અનેક ગુનોઓ નોંધાયા હતા. આરોપીઓ વિરુદ્ધ GUJCTOC હેઠળ વર્ષ 2021માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ ઇન્ચાર્જ ડીસીપી ક્રાઇમ એચ.એ.રાઠોડ કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે GUJCTOC ગુનાની તપાસ દરમિયાન આરોપી અસલમ ઉર્ફે બોડિયા હૈદરમીયા શેખ અને તેના સાગરીત મહમદહુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ જાકીરહુસેન શેખ સહિતના 26 આરોપીઓની ધરપકડ કરી હતી.
અસ્લમ બોડિયાએ જેલમાંથી વેપારીને ફોન કરી ખંડણી માંગી, હત્યાની ધમકી આપી
અસ્લમ બોડિયા જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે. તાજેતરમાં અસ્લમે ભુજ જેલમાંથી વડોદરામાં રહેતા એક વેપારીને ફોન કરીને તેમની પાસેથી ખંડણી માગી હતી. જો રૂપિયા નહીં આપે તો તેને મારી નાખશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. જેમાં વેપારીએ અસ્લમ બોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.








