Ahmedabad news: 15 હજાર ખેડૂતોને મળશે પાક વીમો, ગુજરાત હાઈકોર્ટે સંભળાવ્યો ખાસ ચુકાદો
6 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી

6 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે 2017-18ના ખરીફ પાકમાં થયેલા નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે SBI ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે તે લાયકાત ધરાવતા 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવે. આ કુલ રકમ 7 કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે.
સરકારની કમિટીના રિપોર્ટને માન્ય રાખ્યો
આ કેસમાં સરકારે એક કમિટીની રચના કરી હતી, જેણે ખેડૂતોને થયેલા નુકસાનની તપાસ કરી હતી. કમિટીના રિપોર્ટમાં ખેડૂતોને વળતર ચૂકવવાની ભલામણ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ રિપોર્ટને માન્ય રાખીને વીમા કંપનીના વાંધાઓને ફગાવી દીધા છે.
કોર્ટે વીમા કંપનીના વાંધા ફગાવ્યા
વીમા કંપનીએ દાવો કર્યો હતો કે સરકાર સાથે થયેલા કરાર મુજબ તે આ ચૂકવણી માટે જવાબદાર નથી. જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાની થવી ન જોઈએ. અદાલતે કહ્યું કે ખેડૂતોએ સમયસર પ્રીમિયમ ભર્યું છે અને તેમને વીમાનો લાભ મળવો જ જોઈએ.
વ્યક્તિગત દાવા કરવાનો વિકલ્પ પણ ખુલ્લો
આ ચુકાદાથી જે ખેડૂતોએ વ્યક્તિગત રીતે પોતાના દાવા રજૂ કર્યા હતા, તેમને પણ હવે દાદ માગવાનો વિકલ્પ ખુલ્લો થયો છે. આ ચુકાદાને કારણે રાજ્યના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને આશા રાખવામાં આવી રહી છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં ખેડૂતોને ન્યાય ઝડપથી મળશે.






