અમદાવાદ: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, મંદિરમાં ભક્તોની ભારે ભીડ
અષાઢી બીજે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના મંદિરેથી જગતના નાથ એવા ખુદ ભગવાન જગન્નાથ શણગાર સાથે

અષાઢી બીજે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના મંદિરેથી જગતના નાથ એવા ખુદ ભગવાન જગન્નાથ શણગાર સાથે વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગદીશની સાથે તેમના બહેન સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર સાથે નીકળેલી 147મી રથયાત્રામાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યું હતું.
આસ્થા, શ્રદ્ધા, ઉમંગ, ઉલ્લાસ અને કોમી એકતાના માહોલમાં શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા રંગે ચંગે અને સુખરૂપ સંપન્ન થઈ હતી. આજે સાંજે 9.10 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે પહોંચ્યા હતા અને રથયાત્રા આયોજકો સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.
ટી-20 વર્લ્ડકપના ટેબ્લોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું
અમદાવાદ શહેરમાં રથયાત્રામાં સુશોભિત ટ્રક આકર્ષણનું કેન્દ્ર હોય છે. વિવિધ થીમ ઉપર ટ્રકને ડેકોરેટ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ભારતે T- 20 વર્લ્ડ કપમાં સુંદર પર્ફોર્મન્સ કરતા ચેમ્પિયન બન્યું હતું. T-20 ટ્વેન્ટી વર્લ્ડકપની થીમ પર ટ્રકને ડેકોરેટ કરવામાં આવતા ભક્તોમાં વર્લ્ડકપના ટેબ્લોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.
અમિત શાહે સવારે જગન્નાથની કરી હતી આરતી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે વહેલી સવારે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો પ્રવાહ ઉમટયો હતો. મંગળા આરતી બાદ ભગવાનના આંખેથી પાટા ખોલવામા આવ્યા હતા. જે બાદ ભગવાનની ભક્તો પર અમિદ્રષ્ટી પડી હતી.ભક્તો ભગવાનની અમિદ્રષ્ટિ તેમના ભક્તો પર પડી હતી.જેને જોઈને ભક્તો ભાવવિભોર થયા હતા.
મુખ્યમંત્રીએ પહિંદ વિધી કરી હતી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી 147મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.








