મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: પોલીસ ભરતી માટે 10 લાખ ફોર્મ ભરાયા, વિચારો કેવી બેરોજગારી હશે?: હાઈકોર્ટની સરકારને ટકોર

દેશના વિવિધ રાજ્યોમાં તોફાનોને કારણે થતા જાન

Ahmedabad news: પોલીસ ભરતી માટે 10 લાખ ફોર્મ ભરાયા, વિચારો કેવી બેરોજગારી હશે?: હાઈકોર્ટની સરકારને ટકોર

 દેશના વિવિધ રાજ્યોમાં તોફાનોને કારણે થતા જાન-માલના નુકસાન અને પોલીસની ભૂમિકા સહિતના મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો PIL(જાહેર હિતની અરજી) દાખલ કરી છે. આ મામલે થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોલીસ તંત્રમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અને તેના આંકડા રજૂ કર્યા હતા. જેમાં ફેઝ-2ની પોલીસ ભરતીમાં 10 લાખ ફોર્મ ભરાયા હોવાની વિગત સાંભળી હાઇકોર્ટે સરકારને માર્મિક ટકોર કરતા કહ્યું કે, 'જો ભરતીના બીજા તબક્કામાં જ 10 લાખ ફોર્મ ભરાયા હોય, તો તેના પરથી વિચારો કે રાજ્યમાં કેટલી બેરોજગારી પ્રવર્તી રહી છે?'

ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ભરતી મુદ્દે સુનાવણી

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે સરકારને પોલીસ ભરતીની પ્રક્રિયા સતત ચાલુ રાખવાની તાકીદ કરી છે અને આ કેસની વધુ સુનાવણી મે મહિનામાં નિયત કરી છે. સરકાર પક્ષ તરફથી આજે ભરતી પ્રક્રિયાની વિગતો રજૂ કરતા અદાલતને જણાવાયું હતું કે, વર્તમાન ભરતીમાં 10,902 કોન્સ્ટેબલની પોસ્ટમાંથી 9724 ઉમેદવારોની નિમણૂકને મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે બાકી રહેલા ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણીની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

જાન્યુઆરીની રિચેકિંગ અરજીઓ પર કામગીરી શરૂ

472 જેટલી PSIની પોસ્ટ માટેની પરીક્ષામાં 86,727 ઉમેદવારો લેખિત પરીક્ષામાં બેઠા હતા, જેનું પરિણામ 26 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી માસમાં ઉમેદવારો પાસેથી રિચેકિંગની અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેની પ્રક્રિયા હાલ ચાલુ છે અને માર્ચ-2026 સુધીમાં પૂર્ણ થઈ જશે.

ફેઝ-1 અને ફેઝ-2માં કુલ 25 લાખથી વધુ અરજીઓ

સરકાર પક્ષે વધુમાં જણાવ્યું કે, ફેઝ-2ની ભરતી પ્રક્રિયાના અનુસંધાનમાં પોલીસ ભરતી માટે 10 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા, જ્યારે ફેઝ-1માં પણ 15 લાખ જેટલા ફોર્મ આવ્યા હતા. છેલ્લા 16 મહિનામાં 12,350 જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવી છે, જ્યારે 13,591 કર્મચારીઓની નવી ભરતીમાં PSIનો પણ સમાવેશ થાય છે. હાલ રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ ચાલી રહ્યા છે, જે પણ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ સમાચાર શેર કરો