Banaskantha: ભૂમાફિયાઓ પર ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી; રોયલ્ટી પાસ વગરના 10 ડમ્પર ઝડપાયા
બનાસકાંઠામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠ

બનાસકાંઠામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા-પાટણ ખાણ ખનીજ વિભાગ અને ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડના સંયુક્ત ઓપરેશનમાં કરોડોનો મુદ્દામાલ ઝડપાતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, ઓગડના શુદ્રોસણ ગામ નજીકથી રેતી ભરીને પસાર થઈ રહેલા વાહનો અંગે તંત્રને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે બનાસકાંઠા અને પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમોએ ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ સાથે મળીને ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન રેતી ભરેલા 10 જેટલા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામ વાહનો પાસે રેતીના પરિવહન માટેના જરૂરી રોયલ્ટી પાસ કે પરમિટ નહોતા તંત્રએ આ કાર્યવાહીમાં અંદાજે રૂ. ૨.૫ થી ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ખાણ ખનીજ વિભાગે આ તમામ 10 ડમ્પર કબજે કરી આગળની કાર્યવાહી માટે થરા પોલીસને સોંપ્યા છે. લાંબા સમય બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી આટલી મોટી અને સંયુક્ત કાર્યવાહીને પગલે સરહદી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.





