પાટણના ૭૧ સરહદી ગામ સાયરન એલર્ટ સિસ્ટમથી થશે સજ્જ, યુદ્ધ સ્થિતિમાં લોકોને કરશે જાગૃત
પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સાંતલપુર તાલુકાના ૭૧ ગામોમાં સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત

પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સાંતલપુર તાલુકાના ૭૧ ગામોમાં સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવાનું નક્કી કરાયું છે. પ્રથમ તબક્કામાં તાલુકાના દસ સરહદી ગામોને સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા છે. સાયરન સિસ્ટમથી લોકોને સરકારી સૂચના મળી શકશે અને લોકો વધુ જાગૃત બનશે.
ઓપરેશન સિંદૂરને પગલે પાટણ જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત થાય તે માટે હવે સરહદી વિસ્તાર એવા સાંતલપુરના 71 ગામડાઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. રાજ્ય સરકારના નિર્દેશોના પગલે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંતલપુર તાલુકાના ૭૧ ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવાનું નક્કી કરાયું છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે. હાલ પ્રથમ તબક્કામાં ૧૦ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઇ છે. બીજા તબક્કામાં ૨૨ ગામો અને ત્યારબાદ અન્ય ગામોને પણ સાયરન એલર્ટ સિસ્ટમથી સજજ કરવામાં આવશે. આ સાયરન પાંચ કિલોમીટરની રેન્જ ધરાવે છે.
જિલ્લા કલેકટરએ અપીલ કરતાં જણાવ્યું કે, જ્યારે પણ સાયરન વાગે ત્યારે સલામત સ્થળે ખસી જવું અને તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે તેનું પાલન કરવું. આ સિસ્ટમથી સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકીશું.






