‘મુંબઈમાં 200 સાથીઓ તૈયાર’, ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોને અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેકને ફરી આપી જાનથી મારી નાખવાની ધમકી

‘મુંબઈમાં 200 સાથીઓ તૈયાર’, ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોને અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેકને ફરી આપી જાનથી મારી નાખવાની ધમકી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અભિનેતા અમિતાભ બચ્ચન પર હુમલાનું કાવતરું દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું હતું અને આ મામલે બે લોકોની ધરપકડ કર્યાના થોડા દિવસો બાદ હવે ગેંગસ્ટર ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ઢિલ્લોંને અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી ગણાતો ગોલ્ડી ઢિલ્લોંએ 1984ના શીખ વિરોધી રમખાણોના કથિત આરોપીઓને પણ નિશાન બનાવવાની ધમકી આપી છે.

ઢિલ્લોને ફેસબુક પોસ્ટ લખીને દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હોવા છતાં બચ્ચન પરિવારને નિશાન બનાવવાની તેની યોજના અટકી નથી. તેણે કહ્યું કે તેના 200 સાથીઓ મુંબઈમાં સક્રિય છે અને હુમલા માટે તૈયાર છે. તેણે વધુમાં ધમકી આપી હતી કે બુલેટપ્રૂફ કેબિન પણ બંને અભિનેતાઓને નહીં બચાવી શકે. તાજેતરમાં મળેલી હુમલાની ધમકીઓ બાદ અમિતાભ બચ્ચન તેમના ઘર જલસાની બહાર ફેન્સને બુલેટપ્રૂફ કાચના સુરક્ષિત કેબિનમાંથી અભિવાદન કરતા જોવા મળ્યા હતા.

જાહેરાત

ગોલ્ડી ઢિલ્લોં પર પંજાબ અને નેશનલ કેપિટલ રિજન (NCR) માં હત્યા અને ખંડણી સહિતના ગંભીર ગુનાઓના આરોપો છે. માર્ચ 2024માં ચંડીગઢના વેપારી કુલદીપ સિંહ પાસેથી ખંડણી વસૂલવાનો પ્રયાસ કરવાનો પણ તેના પર આરોપ છે. ત્યારબાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તેની ધરપકડ કરાવવા માટે ઉપયોગી માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. જુલાઈ 2026માં ઈન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલા રેડ કોર્નર નોટિસના આધારે સ્પેનના મેડ્રિડમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેને ભારત લાવવાના પ્રત્યાર્પણના પ્રયાસો ચાલી રહ્યા છે.

ધરપકડ હેઠળ હોવા છતાં કથિત ગેંગસ્ટરે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, તેની આ પોસ્ટ દિલ્હી પોલીસે પંજાબના બે કથિત ગેંગસ્ટર વિરુદ્ધ કાર્યવાહી કર્યાના થોડા દિવસો બાદ સામે આવી છે. પોલીસે જલંધરના વિકાસ ઠાકુર ઉર્ફે વિકી અને તરનતારનના દીપક સિંહ ઉર્ફે દીપની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર (સ્પેશિયલ સેલ) નારા ચૈતન્યએ જણાવ્યું હતું કે વિકાસ એક વેપારીને ખંડણી માટે ડરાવવા અને ગોળીબાર કરવાની ઘટનાને અંજામ આપવા મુંબઈથી દિલ્હી આવ્યો હતો. જ્યારે દીપક પણ બાદમાં તેની સાથે જોડાવાનો હતો. અમૃતસરમાં 3 ઓક્ટોબરે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મધુસુદન સિંહ ઉર્ફે મેડ સંધુની હત્યા બાદ દીપક મુંબઈમાં છુપાયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તેને લાંબા સમય સુધી મુંબઈમાં જ રહેવા અને બચ્ચનના નિવાસસ્થાનની બહાર ગોળીબાર કરવાની યોજના અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી અમિતાભ બચ્ચન અને તેમના ઘર પર હુમલો કરવાની ધમકીઓ ઓછામાં ઓછા ત્રણ ઈમેઇલ દ્વારા આપવામાં આવી છે. તાજેતરમાં 12 નવેમ્બરે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને મળેલા ઈમેઇલમાં અનેક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સ્થળોમાં અમિતાભ બચ્ચનનો બંગલો, પંજાબ નેશનલ બેંકની એક શાખા, મેયરની ઓફિસ અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)નો સમાવેશ થાય છે.

આવી જ ધમકીભર્યો ઈમેઇલ 6 નવેમ્બરે પણ મળ્યો હતો. જ્યારે 23 ઓક્ટોબરે મેયર ઋતુ તાવડે અને ડેપ્યુટી મેયર સંજય ઘાડીને મોકલવામાં આવેલા ઈમેઇલમાં મેયરની ઓફિસ, અમિતાભ બચ્ચનના બંગલા અને મહાલક્ષ્મી રેસકોર્સ પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ જ સ્થળે 27 નવેમ્બરે ગાયક દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવાનો છે. ઈમેઇલમાં દાવો કરવામાં આવ્યો હતો કે 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે જુહુ સ્થિત બચ્ચનના ઘર જલસા પર હુમલો કરવામાં આવશે. આ ઉપરાંત 31 ઓક્ટોબરે એક શાળામાં ગ્રેનેડ હુમલો કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.

બોમ્બની ધમકીઓ મળ્યા બાદ અમિતાભ બચ્ચને પોતાના નિવાસસ્થાનની બહાર ફેન્સ સાથેની સાપ્તાહિક મુલાકાત દરમિયાન બુલેટપ્રૂફ કાચથી બનેલા સુરક્ષિત કેબિનમાં આવીને તેમનું અભિવાદન કર્યું હતું. અગાઉ તેઓ પૈડાંવાળા એક પ્લેટફોર્મ પર ઊભા રહીને ફેન્સને મળતા હતા, પરંતુ તે પ્લેટફોર્મ પર બુલેટપ્રૂફ કાચની સુરક્ષા નહોતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત