'અંધારામાં તેણે મુક્કો માર્યો હોત તો હું મરી જાત!' અભિનેત્રીએ સંભળાવી કાસ્ટિંગ કાઉચની આપવીતી

'અંધારામાં તેણે મુક્કો માર્યો હોત તો હું મરી જાત!' અભિનેત્રીએ સંભળાવી કાસ્ટિંગ કાઉચની આપવીતી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મનોરંજન જગત બહારથી જેટલું ચમકદમકથી ભરેલું દેખાય છે, અંદરથી તેટલું જ કડવું વાસ્તવ પણ ધરાવે છે. પડદા પાછળ અનેક અભિનેત્રીઓને કાસ્ટિંગ કાઉચ જેવા કડવા અનુભવોનો સામનો કરવો પડતો હોય છે. ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી દેબિના બેનર્જીએ પણ પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં બનેલી એક અત્યંત ભયાનક ઘટનાનો ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે.

એક પોડકાસ્ટમાં મહેમાન બનેલી દેબિના બેનર્જીએ જણાવ્યું હતું કે જ્યારે મનીષાએ તેને પૂછ્યું કે શું તેણે ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે, ત્યારે દેબિનાએ પોતાની સાથે બનેલો આ આઘાતજનક કિસ્સો શેર કર્યો હતો.

જાહેરાત

'સાંજે શું કરી રહી છો? ચાલો મારી સાથે લોંગ ડ્રાઈવ પર...'

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં દેબિનાએ જણાવ્યું કે કરિયરની શરૂઆતમાં જ્યારે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી, ત્યારે એક ડાયરેક્ટરે તેની સાથે અત્યંત શરમજનક વર્તન કર્યું હતું. એક દિવસ તે ડાયરેક્ટરે દેબિનાને પૂછ્યું કે, "સાંજે શું કરી રહી છો? ચાલો મારી સાથે." તે સમયે દેબિના ઉંમરમાં ઘણી નાની હતી અને નવી હોવાને કારણે તેને એટલી સમજ નહોતી કે તે ડાયરેક્ટરને ના પણ પાડી શકે છે. ડાયરેક્ટર તેને કારમાં લોંગ ડ્રાઈવ પર લઈ ગયો હતો અને રસ્તામાં એક અંધારી જગ્યાએ અચાનક ગાડી રોકીને તેણે દેબિના સામે અયોગ્ય માંગણી મૂકી હતી.

'મને લાગ્યું કે અંધારામાં જો તે મને એક મુક્કો પણ મારશે તો હું મરી જઈશ'

તે ભયાનક ક્ષણને યાદ કરતાં દેબિના બેનર્જીએ પોતાની આપવીતી સંભળાવી:

"ડ્રાઈવ પર જતાં-જતાં તે ડાયરેક્ટરે અચાનક અંધારામાં ગાડી રોકી દીધી અને કહ્યું- 'હવે મને કિસ કરો.' આ સાંભળીને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મને થયું કે હું આ ક્યાં ફસાઈ ગઈ! આ અંધારામાં જો તેણે મને એક મુક્કો પણ મારી દીધો તો હું કદાચ મરી જ જઈશ. ત્યારબાદ મેં ધ્રૂજતા અવાજે હિંમત કરીને કહ્યું કે હું આના માટે કમ્ફર્ટેબલ નથી."

ગુરમીત ચૌધરીના જીવનમાં આવ્યા બાદ મળ્યો સુરક્ષાનો અહેસાસ

દેબિનાએ જણાવ્યું કે તે કડવા અનુભવ બાદ જ્યારે અભિનેતા ગુરમીત ચૌધરી તેના જીવનમાં આવ્યા, ત્યારે જ તેને સાચા અર્થમાં પોતાની સુરક્ષાનો અહેસાસ થયો હતો. દેબિનાનો આ ખુલાસો સાંભળીને ખુદ હોસ્ટ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે દેબિના બેનર્જીએ હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રી પહેલાં સાઉથની ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું, પરંતુ વર્ષ 2008માં આવેલી સુપરહિટ સિરિયલ 'રામાયણ'માં માતા સીતાનું પાત્ર ભજવીને તેને ઘર-ઘરમાં અપાર લોકપ્રિયતા મળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત