Sandpaper Gate / પેટ કમિન્સે ઉસ્માન ખ્વાજાને ગણાવ્યો ખોટો, ડેવિડ વોર્નરે કહ્યું- 'તેણે સાચું લખ્યું...'

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટના એક એવા વિવાદનો ઉલ્લેખ કર્યો છે, જેણે એક સમયે સમગ્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતને શરમમાં મૂકી દીધું હતું. ખ્વાજાએ પોતાના પુસ્તકમાં 2018માં કેપટાઉન ટેસ્ટ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ કાંડનો ઉલ્લેખ કર્યો છે. તેણે પુસ્તકમાં લખ્યું છે કે આ કાંડમાં દરેક વ્યક્તિ સામેલ હતી. સ્પષ્ટ છે કે તેણે ખેલાડીઓની સાથે સપોર્ટ સ્ટાફની સંડોવણી હોવાની પણ વાત કરી છે.
પુસ્તક પ્રકાશિત થયા બાદ ડેવિડ વોર્નરે પણ ખ્વાજાના દાવાને સમર્થન આપ્યું હતું. વોર્નરને પણ આ મામલે એક વર્ષનો પ્રતિબંધ ભોગવવો પડ્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમના વર્તમાન કેપ્ટન અને તે સમયે ટીમના બોલિંગ યુનિટનો ભાગ રહેલા પેટ કમિન્સે ખ્વાજાના દાવાઓને બકવાસ ગણાવ્યા છે. જોકે, વોર્નરે ફરી એકવાર કહ્યું છે કે ખ્વાજાએ પુસ્તકમાં જે લખ્યું છે તે સત્ય છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI મેચ દરમિયાન આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, "પેટ કમિન્સ આજે સવારે પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ જ સારી તૈયારી સાથે આવ્યો હતો. પરંતુ હું હજુ પણ ઉઝી (ઉસ્માન ખ્વાજા) અને તેના પુસ્તકમાં લખેલી વાતો પર કાયમ છું. આ સત્ય છે અને હું ખરેખર તેને સમર્થન આપું છું. અત્યારે મને તેના માટે ખરેખર ખરાબ લાગી રહ્યું છે. મને લાગે છે કે આજે કેપ્ટને ખરેખર તેની સાથે દગો કર્યો છે અને આ વાતથી હું ખૂબ જ નિરાશ છું."
પેટ કમિન્સે શુક્રવાર, 13 નવેમ્બરના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, "જ્યારે ઉસ્માન કહે છે કે અમને બધાને ખબર હતી. જો તેનો અર્થ એવો હોય કે મેદાનમાં સેન્ડપેપર લઈ જવામાં આવી રહ્યું છે તેની અમને જાણ હતી, તો તે 100 ટકા ખોટું છે. છેલ્લા આઠ વર્ષથી હું સતત આ જ વાત કહી રહ્યો છું. મને ખબર નહતી કે આવું થઈ રહ્યું છે. પરંતુ મને લાગે છે કે ઉસ્માન આના કરતાં પણ વધુ ગંભીર વાતો કહી રહ્યો છે. તેણે કહ્યું છે કે હું અને અન્ય કેટલાક લોકો સેન્ડપેપરથી બોલ ટેમ્પરિંગ કરવાની યોજનાના મુખ્ય સૂત્રધાર હતા. આ સંપૂર્ણપણે બકવાસ છે."
કમિન્સે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, "આ અઠવાડિયે જ્યારે મને જાણવા મળ્યું કે ઉસ્માને સ્વીકાર્યું છે કે તેણે કેમ (કેમેરોન બેનક્રોફ્ટ) ને સેન્ડપેપરનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાનું કહ્યું હતું, ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું હતું. આ એ ઉસ્માન નથી જેને હું ઓળખું છું. આ એ ઉસ્માન નથી જેણે છેલ્લા આઠ વર્ષમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટના કલ્ચરને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરી હતી. તે એવી ટીમનો ભાગ હતો જે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે સુનિશ્ચિત કરી શકતી હતી. ઉસ્માન મારો મિત્ર હતો, પરંતુ મિત્રો એકબીજાના જીવન અને પ્રતિષ્ઠા સાથે બેદરકારીપૂર્વકનથી વર્તતા."
જ્યારે કમિન્સને એક પત્રકારે પૂછ્યું કે બંનેમાંથી કોની વાત સાચી છે, ત્યારે તેણે કહ્યું, "આ મારી વાત છે. તેથી મને લાગે છે કે તે ખોટો છે. મને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખૂબ જ પસંદ છે. આ ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે. આ ઘટનાની ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પર ખરેખર અસર પડે છે. મને લાગે છે કે તેણે પોતાની વાત જે રીતે રજૂ કરી છે, તેમાં ઘણી બેદરકારી દાખવી છે. તેની વાતોની અસર ઘણા લોકો પર પડે છે અને અત્યારે હું આ જ બાબતથી પરેશાન છું, કારણ કે મને નથી લાગતું કે આવું કરવું યોગ્ય છે."






