'સંપૂર્ણ બકવાસ', ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સેન્ડપેપર કાંડમાં સંડોવણીના આરોપોને ફગાવ્યા

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે શુક્રવારે ફરી એકવાર 2018માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે છેડછાડ કરવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કરવાની યોજનામાં પોતાની કોઈપણ પ્રકારની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો. તેણે ઉસ્માન ખ્વાજાની આત્મકથામાં કરવામાં આવેલા આરોપોને 'સંપૂર્ણ બકવાસ' ગણાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાની આત્મકથા મંગળવારે પ્રકાશિત થઈ હતી. ખ્વાજાએ ગયા અઠવાડિયે દાવો કર્યો હતો કે ન્યૂલેન્ડ્સમાં રમાયેલી તે મેચ દરમિયાન ટીમના તમામ ખેલાડીઓને બોલ ટેમ્પરિંગની યોજના વિશે જાણ હતી. આ નિવેદન બાદ આ સમગ્ર મામલે ફરીથી તપાસ કરવાની માંગ ઉઠી છે.
સિડનીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કમિન્સે કહ્યું, "જ્યારે તે કહે છે કે અમને બધાને ખબર હતી, જો તેનો અર્થ એવો હોય કે મેદાનમાં સેન્ડપેપર લઈ જવામાં આવી રહ્યું છે તેની અમને જાણ હતી, તો તે 100 ટકા ખોટું છે. છેલ્લા આઠ વર્ષથી હું સતત આ જ વાત કહી રહ્યો છું."
તેણે વધુમાં કહ્યું, "મને ખબર નહતી કે આવું કંઈ થઈ રહ્યું છે. પરંતુ મને લાગે છે કે ઉસ્માને આના કરતાં પણ વધુ ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું છે કે હું અને અન્ય કેટલાક ખેલાડીઓ સેન્ડપેપરનો ઉપયોગ કરીને બોલ સાથે છેડછાડ કરવાની યોજનાના મુખ્ય સૂત્રધાર હતા. આ સંપૂર્ણપણે ખોટી વાત છે. ગેરકાયદેસર રીતે બોલ સાથે છેડછાડ કરવા માટે કોઈ માસ્ટર પ્લાન નહતો બનાવવામાં આવ્યો. આ અંગે કોઈ ટીમ મીટિંગ નહતી થઈ કે બોલર્સે પણ આવું કરવું જોઈએ તેવી કોઈ ચર્ચા નહતી કરી."
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને લગભગ 68 મિનિટ સુધી મીડિયા સાથે વાતચીત કરી હતી અને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. જોકે, તેણે સ્પષ્ટ કર્યું હતું કે હવે તે બોલ ટેમ્પરિંગના આ વિવાદ વિશે ફરી ક્યારેય ચર્ચા નહીં કરે.
કમિન્સે પાકિસ્તાની મૂળના ખ્વાજાના એ દાવા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં ખ્વાજાએ પોતાની આત્મકથામાં કહ્યું હતું કે તેની ત્વચાનો રંગ અને પૃષ્ઠભૂમિ તેને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનવામાં અવરોધરૂપ બન્યા હતા.
આ અંગે કમિન્સે કહ્યું, "આ અઠવાડિયે મેં જે કંઈ વાંચ્યું છે તેમાં મને આ સૌથી ગંભીર બાબત લાગે છે. જો તે કહે છે કે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનવા માટે વ્યક્તિની ત્વચાનો રંગ ચોક્કસ હોવો જોઈએ, તો હું આ નિવેદન સાથે બિલકુલ સહમત નથી."
2018ના બોલ ટેમ્પરિંગ કાંડમાં તત્કાલીન ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરને તેમની ભૂમિકા બદલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા એક વર્ષ માટે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ઉચ્ચ સ્તરની ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
સોમવારે વોર્નરે પણ ખ્વાજાના દાવાને સમર્થન આપતાં તેને '100 ટકા સાચો' ગણાવ્યો હતો. જોકે, કમિન્સે કહ્યું, "અહીં ઘણી અલગ-અલગ વાતો સામે આવી રહી છે. તેમની પાસે બે અલગ-અલગ વર્ણન છે. તે રૂમમાં 11 ખેલાડીઓ હતા એટલે કે બીજા નવ ખેલાડીઓ પણ છે. મને લાગે છે કે તેમના નિવેદનોને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ."
બોલ ટેમ્પરિંગ દરમિયાન મેદાન પર સેન્ડપેપર લઈ જનાર ઓપનિંગ બેટ્સમેન કેમેરોન બેનક્રોફ્ટને આ મામલે તેની ભૂમિકા બદલ નવ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
કમિન્સે કહ્યું, "આ અઠવાડિયે જ્યારે મને જાણવા મળ્યું કે ઉસ્માને સ્વીકાર્યું છે કે તેણે કેમેરોનને સેન્ડપેપરનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાનું કહ્યું હતું, ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું હતું. હું જે ઉસ્માનને ઓળખું છું તે આવો નથી. તે એ ઉસ્માન નથી જેણે છેલ્લા આઠ વર્ષમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરી છે."
'બીજાના જીવન અને પ્રતિષ્ઠા સાથે બેદરકારી ન રાખવી જોઈએ'
કમિન્સને ખ્વાજાના એ દાવા વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ તેણે ટીમના તમામ ખેલાડીઓને સામૂહિક જવાબદારી સ્વીકારવાની અપીલ કરી હતી, પરંતુ બે ખેલાડીઓએ તેની વાતનો ઇનકાર કર્યો હતો.
આ અંગે કમિન્સે કહ્યું, "મને સામૂહિક જવાબદારી વિશેની કોઈ વાતચીત યાદ નથી. તેથી મને ખબર નથી કે તે બે ખેલાડીઓ કોણ હતા, કારણ કે મને યાદ નથી કે ક્યારેય મારી સાથે આ અંગે કોઈ વાત થઈ હોય."
ખ્વાજા અને વોર્નર બંનેએ 2018માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલી તપાસની પણ ટીકા કરી છે. આ તપાસમાં ત્રણેય સજા પામેલા ખેલાડીઓને જ બોલ ટેમ્પરિંગની યોજના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
કમિન્સે કહ્યું, "મને પણ તે તપાસનો ભાગ બનવા માટે કહેવામાં આવ્યું હતું. મેં સંપૂર્ણ સત્ય કહ્યું હતું. તે સમયથી લઈને અત્યાર સુધી મારું નિવેદન એકસરખું જ રહ્યું છે. તેમાં કંઈ બદલાયું નથી."
આ અઠવાડિયાની શરૂઆતમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના હેડે 2018ના આ વિવાદની ફરીથી તપાસ શરૂ કરવાની શક્યતા નકારી કાઢી હતી.
કમિન્સે કહ્યું કે તે ખ્વાજાની આત્મકથા દ્વારા પોતાની વાત રજૂ કરવાના અધિકારનું સન્માન કરે છે, પરંતુ પુસ્તકમાં કરવામાં આવેલા કેટલાક આરોપો ખૂબ ગંભીર છે અને તેનો જવાબ આપવો જરૂરી છે.
તેણે કહ્યું, "ઉસ્માન મારો મિત્ર છે, પરંતુ મિત્રો એકબીજાના જીવન અને પ્રતિષ્ઠા સાથે બેદરકારીપૂર્વક નથી વર્તતા. ઉસ્માને પોતાના પુસ્તકમાં મારા જીવન અને અન્ય ઘણા લોકોના જીવન સાથે બેદરકારીભર્યું વર્તન કર્યું છે. મને લાગે છે કે તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું છે."
જોકે, કમિન્સે સ્પષ્ટ કર્યું હતું કે તે આ આરોપો બદલ ખ્વાજા સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરે. તેણે કહ્યું, "આ અઠવાડિયે મને સલાહ આપવામાં આવી હતી કે જે કેટલીક વાતો કહેવામાં આવી છે તે બદનક્ષી સમાન હોઈ શકે છે, પરંતુ હું આ મામલે કાનૂની કાર્યવાહીનથી કરવાનો. હવે આગળ વધવાનો સમય છે. આ ઘટનાને આઠ વર્ષ થઈ ગયા છે. આપણે આગળ વધી રહ્યા છીએ. તેથી કોઈક સમયે આ મામલે પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે."








