દિગ્ગજ ડાયરેક્ટર સિંગીતમ શ્રીનિવાસ રાવના નિધનથી શોકમાં ડૂબ્યું સિનેમાજગત: કમલ હાસન થયા ભાવુક, રાજામૌલીએ પાઠવી સંવેદના

દિગ્ગજ ડાયરેક્ટર સિંગીતમ શ્રીનિવાસ રાવનું નિધન થઈ ગયું છે. આ સમાચારથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમણે 3 ઓક્ટોબરે 95 વર્ષની ઉંમરે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ ઉંમર સંબંધિત બીમારીઓની સારવાર કરાવી રહ્યા હતા. પોતાની કાલજયી ફિલ્મો માટે ઓળખાતા આ ફિલ્મમેકરના જવાથી સિનેમા જગતને અકલ્પનીય ખોટ પડી છે. તેમના નિધન પર કમલ હાસન, જુનિયર એનટીઆર અને એસએસ રાજામૌલી જેવા સાઉથ સિનેમાના દિગ્ગજોએ ઘેરો શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
એસએસ રાજામૌલીએ યાદ કર્યા
એસએસ રાજામૌલીએ ફિલ્મમેકરને યાદ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર લખ્યું, ‘સિંગીતમ શ્રીનિવાસ રાવના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ‘આદિત્ય 369’, ‘પુષ્પક વિમાન’ અને ‘મયૂરી’ જેવી ફિલ્મો બનાવનારા સિંગીતમ એવા ફિલ્મમેકર હતા, જેમણે પોતાના સમય કરતાં આગળ વિચાર કરીને કામ કર્યું. તેમની ફિલ્મોમાં એવો દ્રષ્ટિકોણ હતો, જે આજે પણ નવી પેઢીને એટલો જ તાજો અનુભવાય છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’
જુનિયર એનટીઆરે પણ વ્યક્ત કર્યું દુઃખ
સાઉથ સ્ટાર જુનિયર એનટીઆરે પણ સિંગીતમ શ્રીનિવાસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને સિનેમામાં તેમના યોગદાનને યાદ કર્યું. તેમણે લખ્યું, ‘આ સમાચાર કે સિંગીતમ શ્રીનિવાસ રાવ હવે આપણી વચ્ચે નથી રહ્યા, ખૂબ જ દુઃખ પહોંચાડનારા છે. તેમણે પોતાની અલગ વાર્તાઓ અને અનોખા અંદાજથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. તેમનું જવું એ સિનેમા માટે મોટી ખોટ છે. હું તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું.’
કમલ હાસને આપી ભાવુક શ્રદ્ધાંજલિ
તેમજ, કમલ હાસને સિંગીતમ શ્રીનિવાસ રાવના નિધન પર ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. જણાવી દઈએ કે બંને વચ્ચે લાંબા સમયથી ઘનિષ્ઠ વ્યાવસાયિક અને અંગત સંબંધો રહ્યા છે. કમલ હાસને પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું, ‘સિંગીતમે પોતાની જિંદગીમાં હંમેશાં યુવાની અને નવી વિચારસરણીને જીવંત રાખી. તેઓ પોતાના મિત્રો અને શિષ્યો સાથે ખભોથી ખભો મિલાવીને ચાલ્યા અને તેમનો હાથ પકડી રાખ્યો, હું પણ તેમાંનો એક છું. જ્યારથી મેં સિંગીતમને જાણ્યા છે, ત્યારથી જ તેમને પસંદ કરતો આવ્યો છું. હું તેમની જેમ જીવવા માગું છું.’
આ ફિલ્મો માટે પ્રખ્યાત થયા સિંગીતમ શ્રીનિવાસ રાવ
જણાવી દઈએ કે સિંગીતમ શ્રીનિવાસ રાવને ભારતીય સિનેમામાં પોતાની અલગ પ્રકારની વાર્તાઓ માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાની લાંબી કારકિર્દીમાં ઘણી યાદગાર ફિલ્મો બનાવી. તેમની ચર્ચિત ફિલ્મોમાં ‘રાજા પાર્વઈ’, ‘લિટલ જોન’, કમલ હાસન સ્ટારર ‘અપૂર્વ સગોધરગલ’, ‘માઈકલ મદન કામ રાજન’, ‘કાધલા કાધલા’, ‘પુષ્પક વિમાન’ અને ‘આદિત્ય 369’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

