VIDEO: Asha Bhosleના નામે ગિનીસ રેકોર્ડ સિવાય પણ છે એક એવી સિદ્ધિ, જે જાણીને ગર્વ થશે! જાણો તેમના જીવનના સંઘર્ષ વિશે
'અભી ના જાઓ છોડકે...' દરેક ભારતીય સંગીત પ્રેમ


'અભી ના જાઓ છોડકે...' દરેક ભારતીય સંગીત પ્રેમી આજે આ જ કહી રહ્યો છે, પરંતુ અફસોસ કે આજે તેમની આ મુરાદ પૂરી થઈ શકે તેમ નથી. કારણ કે આ ગીતને પોતાના અવાજથી યાદગાર બનાવનાર દિગ્ગજ ગાયિકા આશા ભોસલે આ દુનિયા છોડીને જઈ ચૂક્યા છે. 92 વર્ષની વયે આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા. ભલે હવે આશા ભોસલે આપણી વચ્ચે નથી, પરંતુ પોતાના સદાબહાર ગીતો દ્વારા આશા ભોસલે આપણાથી ક્યારેય જુદા નહીં થાય, 'યે વાદા રહા'. ચાલો એક નજર કરીએ આશા ભોસલેના પ્રારંભિક જીવનથી લઈને તેમની કારકિર્દી, એવોર્ડ્સ અને યાદગાર ગીતો પર.
સંગીત સાથે જોડાયેલા પરિવારમાં થયો જન્મ
8 સપ્ટેમ્બર 1933ના રોજ આશા ભોસલેનો જન્મ સંગીત સાથે જોડાયેલા પરિવારમાં થયો હતો. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર એક એક્ટર અને ક્લાસિકલ ગાયક હતા. આશા ભોસલે સ્વર કોકિલા લતા મંગેશકરના નાના બહેન હતા. આશા ભોસલે જ્યારે નવ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થયું હતું. ત્યારબાદ તેમનો પરિવાર પુણેથી કોલ્હાપુર અને પછી મુંબઈ આવી ગયો. મોટા બહેન લતા મંગેશકરના પગલે ચાલતા તેઓ પણ સંગીતની દુનિયામાં આવ્યા. બંને બહેનોએ પરિવાર ચલાવવા માટે ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું. આશા ભોસલેએ પ્રથમ ગીત મરાઠી ફિલ્મ 'માઝા બાલ' (1943) માં ‘ચલા ચલા નવ વાલા’ ગાયું હતું. જ્યારે બોલિવૂડમાં તેમનું પ્રથમ ગીત ‘ચુનરિયા (1948)’ ફિલ્મમાં ‘સાવન આયા’ હતું. અહીંથી શરૂ થયેલી સંગીત અને ગીતોની સફર પાંચ દાયકાથી વધુ સમય સુધી ચાલી અને આશા ભોસલે જોતજોતામાં ભારતીય સંગીતના દિગ્ગજોમાં સામેલ થઈ ગયા.
લેજન્ડરી સિંગર્સની વચ્ચે બનાવી ઓળખ, એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો
1940ના દાયકાના અંતથી 1950ના દાયકાની શરૂઆત સુધી ગીતા દત્ત, શમશાદ બેગમ અને લતા મંગેશકર જેવી પ્રમુખ ગાયિકાઓની વચ્ચે આશા ભોસલેએ પણ પોતાની જગ્યા બનાવવાની શરૂ કરી. 1950ના દાયકામાં આશા ભોસલેએ હિન્દી ફિલ્મોમાં મોટાભાગના પ્લેબેક સિંગર્સની સરખામણીએ વધુ ગીતો ગાયા. તેમાંથી મોટાભાગના ઓછા બજેટવાળી ફિલ્મોમાં હતા. તેમના શરૂઆતના ગીતોનું કમ્પોઝિશન એ. આર. કુરેશી, સજ્જાદ હુસૈન, એસ. મોહિન્દર, સરદાર મલિક, ગુલામ મોહમ્મદ અને કેટલાક અન્ય સંગીતકારોએ કર્યું હતું. સજ્જાદ હુસૈનના સંગીતમાં બનેલી ફિલ્મ ‘સંગદિલ’ (1952) ના ગીતોને અવાજ આપવાથી આશા ભોસલેને ઓળખ મળી. તે જ વર્ષે ઓપી નૈયર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘છમ છમા છમ’ માં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી અને ફિલ્મના 11 માંથી 10 ગીતો પણ ગાયા. ત્યારબાદ બિમલ રોયે તેમને ‘પરિણીતા’ (1953) માં ગાવાની તક આપી. રાજ કપૂરે તેમને ફિલ્મ ‘બૂટ પોલિશ’ (1954) ના તમામ ગીતો ગાવા માટે સાઈન કર્યા, જેનાથી તેમને લોકપ્રિયતા મળી.
16 વર્ષની ઉંમરે બહેન લતા મંગેશકરના સેક્રેટરી સાથે કર્યા લગ્ન
આશા ભોસલેની કારકિર્દી હજુ બરાબર શરૂ જ થઈ હતી કે માત્ર 16 વર્ષની ઉંમરે જ તેમણે બહેન લતા મંગેશકરના સેક્રેટરી ગણપત રાવ ભોસલે સાથે લગ્ન કરી લીધા. ગણપત રાવ આશા કરતા લગભગ 20 વર્ષ મોટા હતા. આ સંબંધને લતા મંગેશકર અને તેમના પરિવારે સ્વીકાર્યો નહીં. આ કારણે આશા અને લતા મંગેશકરના સંબંધોમાં અંતર પણ આવ્યું, જે લાંબા સમય સુધી રહ્યું. પરંતુ આશા ભોસલેએ પોતાના બહેન અને પરિવારની વિરુદ્ધ જઈને પોતાના પ્રેમને પસંદ કર્યો. એક જૂના ઈન્ટરવ્યુમાં આશા ભોસલેએ પોતાના લગ્ન વિશે કહ્યું હતું કે, ‘પતિનો પરિવાર રૂઢિચુસ્ત હતો, તે એક સિંગિંગ સ્ટારને સ્વીકારી શક્યો નહીં. જ્યારે હું મારા નાના પુત્ર આનંદને જન્મ આપવાની હતી ત્યારે પરિવારે પિયર પાછા ફરી જવા કહ્યું.’ જોકે, આશા ભોસલે અને ગણપત રાવના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. 11 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. ગણપત રાવથી આશા ભોસલેને ત્રણ બાળકો થયા.
છ વર્ષ નાના આરડી બર્મન સાથે કર્યા બીજા લગ્ન
ગણપત રાવથી અલગ થયા અને પ્રથમ લગ્ન તૂટ્યા પછી આશા ભોસલેના જીવનમાં ફરીથી પ્રેમની બહાર આવી. આ વખતે તેમને દિગ્ગજ સંગીતકાર આરડી બર્મન (પંચમ દા) માં પોતાનો પ્રેમ મળ્યો. જોકે, આશાની આ પ્રેમ કહાની પણ સરળ નહોતી, કારણ કે આરડી બર્મન તેમનાથી લગભગ છ વર્ષ નાના હતા. એટલા માટે જ્યારે 47 વર્ષના આશા ભોસલેએ આરડી બર્મન સાથે લગ્ન કરવાની વાત રાખી, તો પંચમ દાની માતા આ વાત માટે માની નહીં. જ્યારે પંચમ દાએ પોતાની માતાને આશા સાથેના લગ્ન વિશે જણાવ્યું, તો તેમણે સાફ કહી દીધું કે 'આ લગ્ન મારી લાશ પર થશે.' વિરોધનું કારણ એ હતું કે આશા ભોસલે આરડી બર્મનથી 6 વર્ષ મોટા હતા અને ત્રણ બાળકોની માતા હતા. જોકે, પાછળથી 1980માં બંનેના લગ્ન થયા અને આ જોડીએ સંગીતની દુનિયાને અનેક યાદગાર નજરાણા ભેટમાં આપ્યા. બંનેના લગ્ન 1994માં આરડી બર્મનના દુનિયામાંથી વિદાય લેવા સુધી ચાલ્યા.
20 ભાષાઓમાં ગાયા 12 હજાર ગીતો, નામી સંગીતકારો સાથે કર્યું કામ
આશા ભોસલેની કારકિર્દી લગભગ પાંચ દાયકા લાંબી રહી. આ દરમિયાન તેમણે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતા યાદગાર ગીતો આપ્યા. સૌથી ખાસ વાત એ છે કે પોતાની આટલી લાંબી કારકિર્દી દરમિયાન આશા ભોસલેએ અલગ-અલગ દોરના અનેક દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું અને કેટલાય સાથે તેમની જોડી ઘણી હિટ રહી. આ લિસ્ટમાં શંકર-જયકિશન, ખય્યામ, રવિ, સચિન દેવ બર્મન, આરડી બર્મન, ઓપી નૈયર, ઇલૈયારાજા, બપ્પી લહેરી અને એ.આર રહેમાન જેવા દિગ્ગજોના નામ સામેલ છે. તેમણે ફિલ્મો ઉપરાંત મ્યુઝિક આલ્બમમાં અને અનેક સિંગલ સોંગ પણ ગાયા.
આશા ભોસલેની મહાનતાનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે કે તેમણે હિન્દી ઉપરાંત કુલ 20 ભારતીય અને વિદેશી ભાષાઓમાં ગીતો ગાયા હતા. વર્ષ 2006માં ખુદ આશા ભોસલેએ જણાવ્યું હતું કે તેમણે 12 હજાર ગીતો ગાયા છે. એટલું જ નહીં આશા ભોસલે ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય ગાયિકા પણ છે.








