પંકજ ધીર પછી હવે દિગ્ગજ અભિનેત્રી મધુમતીનું નિધન થયું, કલાકારોએ પાઠવી શ્રદ્ધાંજલિ
મનોરંજન જગત માટે આજનો દિવસ ખરાબ સાબિત થઈ રહ્યો છે. કેમ કે પહેલા તો પંકજ ધ

મનોરંજન જગત માટે આજનો દિવસ ખરાબ સાબિત થઈ રહ્યો છે. કેમ કે પહેલા તો પંકજ ધીરના અવસાનના સમાચાર સામે આવ્યા હતા, તો હવે દિગ્ગજ અભિનેત્રી મધુમતીના નિધનના અહેવાલ વહેતા થયા છે. એક જ દિવસે મનોરંજન જગતમાંથી બે મોટા કલાકારોની વિદાઈ થઈ ગઈ છે. ઘણા કલાકારો આ બંને દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
એક જ દિવસે બે દિગ્ગજ ગુમાવ્યા
એક તરફ, મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું તાજેતરમાં નિધન થયું છે. બીજી તરફ જાણીતી અભિનેત્રી મધુમતીનું નિધન થયું છે. મધુમતી અભિનેત્રીની સાથે એક સારા નૃત્યાંગના પણ હતા. મધુમતીનાં મૃત્યુના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. તેમણે 87 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. અભિનેતા વિંદુ દારા સિંહે તેમના સોશિયલ મીડિયા દ્વારા મધુમતીના મૃત્યુની માહિતી આપી છે. તો અક્ષય કુમારે X પર મધુમતીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
મધુમતીની સરખામણી હેલેન સાથે થતી હતી
જ્યારે મધુમતીએ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો, ત્યારે નૃત્ય માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હતા. એવું કહેવાય છે કે જ્યારે તેમણે સિનેમામાં પ્રવેશ કર્યો, ત્યારે કેબરે ક્વીન તરીકે ઓળખાતી હેલેન પહેલેથી જ ઉદ્યોગમાં એક મોટું નામ હતી. જોકે, મધુમતીની સરખામણી ઘણીવાર હેલેન સાથે કરવામાં આવતી હતી. જોકે, તેમનો દેખાવ અને અન્ય પાસાઓ ખૂબ સમાન હતા, તેમણે પોતે એક વખત એક મુલાકાતમાં કહ્યું હતું કે, "હેલેનજી મારા સિનિયર હતા. અમારી વચ્ચે ઘણી બાબતો સમાન હતી, તેથી લોકો ઘણીવાર અમારી તુલના કરતા હતા. પરંતુ તેનો ક્યારેય અમારા બંને પર કોઈ પ્રભાવ પડ્યો નહીં."








