મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Zomatoએ પોતાના ગ્રાહકોને કરી ઈમોશનલ અપીલ, કહ્યું- બપોરના સમયે ઓર્ડર ન કરો

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ ગ્રાહકોને બપોરે ઓર્ડર ન કરવા માટે ઈમોશનલ અપીલ કર

Zomatoએ પોતાના ગ્રાહકોને કરી ઈમોશનલ અપીલ, કહ્યું- બપોરના સમયે ઓર્ડર ન કરો

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ ગ્રાહકોને બપોરે ઓર્ડર ન કરવા માટે ઈમોશનલ અપીલ કરી છે. દેશમાં ભારે ગરમી અને હીટવેવથી તેના ડિલિવરી પાર્ટનરના સ્વાસ્થ્યને બચાવવા માટે કંપનીએ આ અપીલ કરી છે. Zomatoએ કહ્યું કે, જો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ન હોય તો બપોરે ફૂડનો ઓર્ડર ન આપો. હાલ દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગરમીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું હતું.

ડિલિવરી પાર્ટનરને કરવો પડે છે આકરી ગરમીનો સામનો

Zomatoએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, કૃપા કરીને બપોરે ઓર્ડર ન કરો. જ્યારે બપોરે ઓર્ડર આવે છે, ત્યારે ડિલિવરી પાર્ટનરને ઓર્ડર પહોંચાડવા માટે કાળઝાળગરમીનો સામનો કરવો પડે છે. આ વર્ષે ગરમીએ ઘણા રાજ્યોમાં રેકોર્ડ તોડી નાખ્યા છે. જેના કારણે લોકો હીટસ્ટ્રોકનો સામનો કરી રહ્યા છે. બિહાર, રાજસ્થાન, યુપી, ઝારખંડ અને દિલ્હીમાં હીટસ્ટ્રોકના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

પીએમ મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારીઓ પર કરી બેઠક

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીટવેવની ગંભીર સ્થિતિ અને આગામી ચોમાસાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી. પીએમને માહિતી આપવામાં આવી હતી કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ગરમીનું મોજું ચાલુ રહેશે. પીએમ મોદીએ ગરમીના કારણે અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે પૂરતી તૈયારીઓ કરવા આદેશ આપ્યો હતો.

દીપેન્દ્ર ગોયલે શરૂ કરી હતી હવામાનની માહિતી આપતી સેવા

ઝોમેટોના સ્થાપક દીપેન્દ્ર ગોયલે હવામાનની માહિતી આપતી સેવા શરૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સાથે અમે સ્થાનિક હવામાન વિશે માહિતી મેળવતા રહીશું. તેમણે આ સેવાને Zomato માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. દીપેન્દ્ર ગોયલે કહ્યું હતું ,કે અમારા ડિલિવરી પાર્ટનર્સને દરેક સિઝનમાં કામ કરવું પડે છે. આ સેવા તેમના માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આની મદદથી તેઓ તાપમાન, ભેજ, પવનની ગતિ અને વરસાદની માહિતી મેળવતા રહેશે. આ સેવાને weatherunion.com નામ આપવામાં આવ્યું છે. હાલમાં આ સેવા 45 શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો