જથ્થાબંધ મોંઘવારી દર 13 મહીનાની ટોચેઃ એપ્રિલમાં વધીને 1.26 ટકાએ પહોંચ્યો
એપ્રિલ માટેના જથ્થાબંધ ફુગાવાના દરનો ડેટા આજે એટલે કે 14મી મેના રોજ જાહેર કરવામાં આવ્યો

એપ્રિલ માટેના જથ્થાબંધ ફુગાવાના દરનો ડેટા આજે એટલે કે 14મી મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંક (Wholesale Price Index) પર આધારિત ફુગાવો એપ્રિલમાં એક ટકાના આંકને વટાવી ગયો હતો અને 1.26 ટકાની 13 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો એપ્રિલ 2023માં 0.79 ટકા અને માર્ચ 2024માં 0.53 ટકા હતો.
તેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને અન્ય ઉત્પાદનના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એપ્રિલ 2024માં મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, અન્ય ઉત્પાદન વગેરેની કિંમતોમાં વધારો હતો. "
ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર એપ્રિલમાં વધીને 7.74 ટકા થયો હતો, જે માર્ચમાં 6.88 ટકા હતો. શાકભાજીનો મોંઘવારી દર 23.60 ટકા હતો જે માર્ચમાં 19.52 ટકા હતો. ઇંધણ અને વીજળીનો ફુગાવો એપ્રિલમાં 1.38 ટકા હતો, જે માર્ચમાં (-) 0.77 ટકા હતો. એપ્રિલ જથ્થાબંધ ભાવાંકમાં વધારો આ મહિનાના છૂટક ફુગાવાના ડેટાથી વિપરીત છે.
નાણાકીય નીતિ ઘડતી વખતે RBI મુખ્યત્વે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. એપ્રિલમાં છૂટક ફુગાવો ઘટીને 4.83 ટકાના 11 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગયા મહિને, RBiએ સતત સાતમી વખત વ્યાજ દરો યથાવત રાખ્યા હતા અને કહ્યું હતું કે તે વધતા ખાદ્ય ફુગાવાના જોખમ અંગે સાવચેત છે.








