વોરન બફેટને ભારતમાં દેખાઈ રહી છે મોટી તકો, જણાવ્યું કંપનીનું ફ્યુચર પ્લાનિંગ
વોરન બફેટની ગણતરી વિશ્વના મહાન રોકાણકારોમાં થાય છે. વિશ્વભરના રોકાણકારો તેમની તર

વોરન બફેટની ગણતરી વિશ્વના મહાન રોકાણકારોમાં થાય છે. વિશ્વભરના રોકાણકારો તેમની તરફ આશાની નજરે જોતા રહે છે. તેમણે તેમના ઘણા રોકાણોને મલ્ટિબેગર તરીકે દર્શાવ્યા છે. દર વર્ષે તે બર્કશાયર હેથવેની વાર્ષિક સભાને સંબોધે છે. નાણાકીય વિશ્વ આતુરતાપૂર્વક આ ઘટનાની રાહ જોતું હોય છે. આ દરમિયાન, વોરેન બફેટ કંપનીની ભાવિ યોજના, રોકાણ, કોર્પોરેટ ગવર્નન્સ અને અર્થતંત્ર જેવા ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપે છે. આ વર્ષે તેમણે ભારતમાં રોકાણનો સંકેત આપ્યો છે. વોરેન બફેટે કહ્યું કે, ભારતમાં વિપુલ તકો છે. જોકે, તેમણે ભારતમાં રોકાણનો નિર્ણય કંપનીના આગામી મેનેજમેન્ટ પર છોડી દીધો છે.
આ પણ વાંચોઃ રિટાયરમેન્ટ માટે 2 કરોડ રૂપિયાનું ફંડ ઉભું કરવા માંગો છો? તો જાણી લો કેવી રીતે કરવું જોઈએ રોકાણ
બર્કશાયર હેથવેનું આગામી મેનેજમેન્ટ નક્કી કરશે
બર્કશાયર હેથવેના સીઈઓ વોરેન બફેટે શેરધારકોને જણાવ્યું કે, અમે હજુ ભારતમાં પ્રવેશ કરી શક્યા નથી. ત્યાં ઘણી શક્યતાઓ છે. પરંતુ, હું આ એશિયન દેશ વિશે કોઈ નિર્ણય લેવા માગતો નથી. આ કામ અમારા આગામી મેનેજમેન્ટે કરવાનું રહેશે. ભારત વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, અમારે ભારતને લઈને સ્પષ્ટ રણનીતિ બનાવવી પડશે. અમારે જોવું પડશે કે, બર્કશાયર હેથવે કયા સેક્ટરમાં કેટલો નફો કરી શકે છે. ભારત પણ ઈચ્છશે કે, અમે ત્યાં રોકાણ કરીએ. પરંતુ, આ કામ આગામી મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે તો વધુ સારું રહેશે.
જાપાનમાં અમારા રોકાણનું પરિણામ ઉત્તમ આવ્યું
તેમણે કહ્યું કે, જાપાનમાં અમારા રોકાણના પરિણામો ઉત્તમ રહ્યા છે. ભારતમાં પણ આવી અનેક શક્યતાઓ છે. જોકે, યુવા મેનેજમેન્ટ આ બાબતે વધુ સારા નિર્ણયો લઈ શકે છે. તમારે આ માટે વધુ રાહ જોવી પડશે નહીં. વોરેન બફેટના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, તેઓ ટૂંક સમયમાં જ બર્કશાયર હેથવેનું નિયંત્રણ યુવા એક્ઝિક્યુટિવને સોંપવા માગે છે.
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ આશ્ચર્યજનક રહ્યો છે. વિશ્વમાં વિવિધ સમસ્યાઓ ચાલી રહી હોવા છતાં, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 8.4 ટકા હતો. આ જ કારણ છે કે, ટેસ્લા અને બર્કશાયર હેથવે જેવી મોટી કંપનીઓ હવે આશા સાથે ભારત તરફ જોઈ રહી છે.








